મોરવા હડફ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી ચેમ્પિયનોને તાલીમ અપાઈ

પંચમહાલ હડફ મોરવા
નિલેશભાઈ દરજી શહેરા
મોરવા હડફ, : ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે મોરવા હડફ ખાતેની બ્લોક ઓફિસમાં બે દિવસીય ટીબી ચેમ્પિયનની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પિરામલ સ્વાસ્થ્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ તાલીમ બે અલગ-અલગ બેચમાં યોજાઈ હતી, જેમાં કુલ ૫૪ ટીબી ચેમ્પિયનોએ ભાગ લીધો હતો.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબીના દર્દીઓને શોધી કાઢવા, તેમને નિયમિત સારવાર માટે પ્રેરિત કરવા અને સમાજમાં ટીબી રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરીને જાગૃતિ ફેલાવવાનો હતો. તાલીમ દરમિયાન તાલુકાના THO, STS, STLS, SSK મેનેજર તેમજ પિરામલ સ્વાસ્થ્યના DFO મિહીરકુમાર શ્રીમાળી અને ડિસ્ટ્રીક્ટ લીડ કૌશલ મહેતાએ ચેમ્પિયનોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમાર્થીઓને તેમના ગામમાં ટીબી સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કેવી રીતે ચલાવવી તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમને ટીબી મુક્ત પંચાયત, ટીબી મુક્ત તાલુકો અને અંતે ટીબી મુક્ત જિલ્લાના નિર્માણના લક્ષ્યમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તાલીમથી સ્થાનિક સ્તરે ટીબીના નિવારણ અને નિયંત્રણ માટેના પ્રયાસોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.







