Rajkot: ‘શ્રાવણ ઉત્સવ’: સૌરાષ્ટ્રના મેળાઓમાં ૧૯૫ સખી મંડળની બહેનોના ઉત્પાદનો માટે માર્કેટ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આયોજન

તા.૨૫/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વોકલ ફોર લોકલને પ્રોત્સાહન: રાજ્યના ૬ જિલ્લામાં સખી મંડળની બહેનોને સીધા વેચાણ માટે વિશેષ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી
સખીમંડળની બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય સહાયના ચેકનું વિતરણ કરવામાં આવશે
રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ થકી મહિલા સશક્તિકરણને વેગ
Rajkot: શ્રાવણ માસ એટલે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાથી સભર પવિત્ર માસ. દેવાધિદેવ મહાદેવની આરાધના સાથે સમગ્ર વાતાવરણ જાણે શિવમય બની જાય છે. ‘ૐ નમઃ શિવાય’ના નાદથી શિવાલયો ગુંજી ઊઠે છે, ત્યારે જ્યોતિર્લિંગો, શક્તિપીઠો, કૃષ્ણ મંદિરો, તીર્થધામો સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ સર્જાય છે.

શ્રાવણના આ પાવન દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન, પૂજન અને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ માટે તીર્થધામો તરફ પ્રયાણ કરે છે. આ સાથે રાજ્યભરમાં યોજાતા પરંપરાગત શ્રાવણી મેળાઓ લોકઆસ્થા, સંસ્કૃતિ અને ભક્તિના રંગોને વધુ જીવંત બનાવે છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળામાં “શ્રાવણ ઉત્સવ”ના ભાગરૂપે રાજ્યના ૬ જિલ્લામાં તા. ૨૬/૦૮/૨૦૨૬ થી ૭/૯/૨૦૨૬ દરમિયાન સખીમંડળની બહેનોને તેમના ઉત્પાદનોના સીધા વેચાણ માટે ખાસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમ્યાન વિવિધ મેળાઓ અને ધાર્મિક આયોજનોમાં સખીમંડળની બહેનો તેમના ઉત્પાદનો વધુ લોકો સુધી પહોંચાડી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ “વોકલ ફોર લોકલ” અને “લખપતિ દીદી” અભિયાનને વધુ વેગ મળશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં અગ્રેસર બની છે.

ગ્રામ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો) દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ તેમજ અન્ય સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવા હેતુથી મેળાઓમાં સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સખીમંડળની બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવશે

રાજકોટ અને ઘેલા સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘેલા સોમનાથ ખાતે આવતીકાલથી પાંચ દિવસ માટે મેળો ચાલશે. જ્યારે રાજકોટમાં તા. ૦૨ થી ૦૬ સપ્ટેમ્બર રેસકોર્સ ખાતે મેળો યોજાવા જઈ રહ્યો છે.
રાજકોટ ખાતે આયોજિત મેળામાં સખી મંડળોની બહેનોને ૪૦ સ્ટોલ તેમજ ઘેલા સોમનાથ ખાતે ૧૫ સ્ટોલ ફાળવવામાં આવશે. ઉપરાંત પોરબંદરના મેળામાં ૬૫ સ્ટોલ, ગીર સોમનાથમાં ૨૦ સ્ટોલ, દેવભૂમિ દ્વારકામાં ૨૦ સ્ટોલ ફાળવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ખાતે નિષ્કલંક મહાદેવના મેળામાં ૨૦ સ્ટોલ તેમજ નર્મદા જિલ્લામાં નીલકંઠધામ, પોઈચા ખાતે પણ ૧૫ સ્ટોલ ફાળવવામાં આવશે.
ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ઉપરાંત તેઓને રહેવા, જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. વધુમાં સખી મંડળની બહેનોને આવવા જવા માટે ભાડું પણ આપવામાં આવે છે. આમ સખીમંડળની બહેનો અન્ય ખર્ચ વગર તેમની વસ્તુનું સારી રીતે વેચાણ કરી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે તેઓને નિઃશુલ્ક ટ્રેનિંગ પુરી પાડવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટની વસ્તુના નિર્માણ માટે જરૂરી સાધન સહાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે.
રાજ્યની મહિલાઓ હવે તેમના ઘર પરિવારના ગુજરાનમાં સહભાગિતા સાથે ‘લખપતિ દીદી’ બની રાજ્ય અને દેશના આર્થિક વિકાસમાં તેમનું બહુમૂલ્ય યોગદાન પૂરું પાડી રહી છે.


