GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી જાંબુઘોડા ખાતે કરાઈ,આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૮.૨૦૨૫

આઝાદીના ૭૯મા વર્ષની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કાર્યક્રમ જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ,મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી.આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત તમામ સહિત સમસ્ત પંચમહાલ વાસીઓને ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જાંબુઘોડાના જંગલોમાં રહીને આઝાદીની લડતમાં ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરની વીરતાને વંદન કર્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આઝાદીનો આ પાવન અવસર જેમણે ‘નથી જાણ્યું અમારે પંથ સી આપત ખડી છે, ખબર છે એટલી માતની હાકલ પડી છે’ના સૂત્રને સાર્થક કરી દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો દિવસ છે.મંત્રીએ ૨૦૨૫ના આ વર્ષને મહત્વનું વર્ષ ગણાવ્યું અને આ વર્ષ ભારતીય બંધારણના ૭૫મા વર્ષ, સરદાર વલ્લભભાઈ પટેલ,આદિવાસી સમાજના મહાન ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પણ ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦ મી જન્મજયંતી નું વર્ષ છે તેમ જણાવી દેશના નિર્માણમાં આ મહાપુરુષોના આમૂલ યોગદાનને રાષ્ટ્ર પ્રથમ ભાવ સાથે ઉજવીશું તેમ જણાવ્યું હતું.મંત્રીએ દેશના વિકાસને લગતી વિવિધ સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રે સતત અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે. આર્થિક અને સરહદી તમામ સુરક્ષામાં ભારત એ પોતાનો પરચમ લહેરાવી રહ્યો છે તેમ કહી તેમણે ઓપરેશન સિંદૂર જેવી મહત્વની કાર્યવાહીઓ દેશની શક્તિ અને દ્રઢ નિશ્ચય દર્શાવે છે તેમજ દિલ્હીમાં નવા સંસદ ભવન, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને અન્ય આધુનિક ઇમારતો સાથે નવીન ગ્રામ પંચાયત ભવનોનું પણ નિર્માણ એ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણની પ્રતીતિ કરાવે છે તેમ જણાવ્યું હતું.ગુજરાતની પ્રગતિ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાત આજે વિકાસનું મોડેલ બન્યું છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે. ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ ના રોડમેપ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુજરાતની નોંધપાત્ર પ્રગતિ આજે આંખે ઉડીને વળગે એવી છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન, શિક્ષણ સુધારવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો અમલ, વિદ્યાર્થીઓને ‘જોબ ગીવર’ બનાવવા માટે સ્ટાર્ટઅપ પોલિસી, અને ભણતરનો બોજ ઘટાડવા માટે દર શનિવારે ‘બેગલેસ સેટરડે’ જેવા પગલાં નીતિવિષયક પગલા લેવામાં આવ્યા છે.છેલ્લાં ૧૧ વર્ષમાં આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓમાં થયેલા અભૂતપૂર્વ વિકાસનો ઉલ્લેખ કરતાં મંત્રીએ સરકારનો મુખ્ય ઉદ્દેશ સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ કરવાનો છે તેમ જણાવ્યું હતું અને તેમણે સરકાર દ્વારા આદિવાસી ઉત્કર્ષ અર્થે કરાયેલ યોજનાઓના અસરકારક અમલીકરણથી જનજાતીય ક્ષેત્રમાં થયેલ વિકાસની રૂપરેખા આપી હતી તથા કાર્યક્રમના અંતે સૌને વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લાના વિકાસકામો માટે મંત્રીના વરદ હસ્તે રૂપિયા ૨૫ લાખની રકમનો ચેક જિલ્લા કલેકટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી(ઈ.ચા) ડી.એમ.દેસાઈને એનાયત કરવામાં આવ્યો હતો.આ વેળાએ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓ, અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સંગીતમય નૃત્યો, યોગાસનોની અદ્ભુત રજૂઆત અને સ્વરક્ષણ કલાનું પ્રદર્શન જેવી કૃતીઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમના અંતમાં મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ‘એક પેડ મેં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો, જે પર્યાવરણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા) ડી.એમ.દેસાઈ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, પ્રોબેશનર આઈએએસ કુ.અંજલી ઠાકુર, આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી ઈ.સુસ્મીતા,પંચમહાલ ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને ભરત ડાંગર સહિત અન્ય જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ સહિત વિવિધ શાળાઓના બાળકો તેમના પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!