વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.17 : કચ્છના પ્રવેશદ્વાર અને ‘કચ્છના પેરિસ’ તરીકે જાણીતા મુન્દ્રા શહેરની આગવી ઓળખ સમાન હંસ ટાવર હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળે છે. છેલ્લા દસકાથી આ ટાવર ઉપેક્ષાનો ભોગ બન્યો છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
વર્ષ ૧૯૭૪માં મુન્દ્રાના ભાટિયા સદગૃહસ્થ સ્વ. મુલજી મોરારજી રામૈયાની યાદમાં બનેલો આ ટાવર હવે પડી જવાની કગાર પર છે. ટાવરની નીચેની દીવાલમાં મોટો બાકોરો પડી ગયો છે, જેના કારણે સતત હજારો લોકોની અવરજવરવાળા આ વિસ્તારમાં જીવનું જોખમ ઊભું થયું છે.
વિકાસની હરણફાળ ભરી રહેલા મુન્દ્રામાં આ ટાવરની ઘડિયાળ છેલ્લા ઘણાં વર્ષોથી બંધ છે. આ જોઈને સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જાણે નગરનો સમય થંભી ગયો હોય. લોકોની લાગણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરજનોએ આ જર્જરિત ટાવરને હટાવીને તેની જગ્યાએ આધુનિક કેમેરા સિસ્ટમ (ત્રીજી આંખ) સ્થાપિત કરવાની માંગ કરી છે.
આધુનિક કેમેરા સિસ્ટમથી પરપ્રાંતીય અને અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. લોખંડના પાઈપ પર સ્થાપિત થનારા આ કેમેરા સ્ટેન્ડથી રસ્તો વધુ પહોળો થશે અને તેના પર આધુનિક ઘડિયાળ પણ લગાવી શકાશે. આ પગલાથી લોકોની માંગણી અને લાગણી બંને સંતોષાશે.
વળી, લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ ‘ત્રીજી આંખ’ ની મદદથી મુન્દ્રાના પ્રવેશદ્વાર સમા નાકાની બંને તરફ આવેલ શાકમાર્કેટ અને એસ.ટી. બસ ડેપો પાસે થતી ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિરાકરણ લાવી શકાશે. હંસ ટાવરને લઈને લોકોની સુરક્ષા, સુવિધા અને લાગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે જેમાં કંપની કે મહાજન – દાતાઓ સહયોગ આપે તેવી લોકમાંગ છે.