નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના ૮૦ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતીય હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે છુટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ અંગેનું રેડ એલર્ટ જાહેર કરેલ છે.જેના પગલે નવસારી જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને વરસાદને લગતી તમામ પરિસ્થિતીઓ જેમાં વરસાદના દર બે કલાકના આંક, ડેમની સપાટી, નદીની સપાટી જેવી બાબતો ઉપર બાજ નજર રાખી રહ્યા છે.
વરસાદના આંક ઉપર નજર કરીએ તો, નવસારી જિલ્લામાં આજે તા.૨૦-૦૮-૨૦૨૫ના રોજ વહેલી સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૦૪.૦૦ વાગ્યા દરમિયાન નવસારી જિલ્લાના ગણદેવીમાં સૌથી વધુ ૨૧૩ મી.મી. વરસાદ, ચિખલીમાં ૧૮૩ મી.મી. વરસાદ, ખેરગામ તાલુકામાં વધુ ૧૩૩ મી.મી.વરસાદ, જલાપોર તાલુકામાં ૧૨૪ મી.મી., નવસારી તાલુકામાં ૧૨૨ મી.મી. વરસાદ, વાંસદામાં તાલુકામાં ૧૧૨મી.મી. વરસાદ આમ, નવસારી જિલ્લામાં આજરોજ કુલ-૧૪૮ મીમી વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદ ઉપર નજર કરીએ તો, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૧૨૫૧ મી.મી., જલાલપોર તાલુકામાં ૯૬૩ મી.મી., ગણદેવીમાં ૧૦૭૯ મી.મી., ચિખલીમાં ૧૨૧૪ મી.મી., ખેરગામ તાલુકામાં ૧૮૨૬ મી.મી., અને વાંસદામાં ૧૪૨૮ મી.મી. વરસાદ. એમ, નવસારી જિલ્લામાં આજદિન સુધીનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૯૪ મીમી નોંધાયો છે.
ડેમની સપાટી જોઇએ તો, જુજ ડેમ સાંજે ૦૪ વાગ્યા સુધી ૧૬૭.૬૫ ફુટ અને કાલીયા ડેમ ૧૧૩.૬૦ ફુટ સાથે ઓવર ફ્લો થયો છે.
નદીઓની સપાટી જોઇએ તો, સાંજે ૦૪ વાગ્યા સુધી અંબિકા નદીની ભયજનક સપાટી ૨૮ ફુટ છે જે હાલ ૧૧.૭૭ ફુટ પર વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફુટ છે જે હાલ ૧૦ ફુટ પર વહી રહી છે. જ્યારે કાવેરી નદીની ભયજનક સપાટી ૧૯ ફુટ છે જે હાલ ૧૪.૫૦ ફુટ પર વહી રહી છે.
નોંધનિય છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગત અનુસાર સાંજે ૦૫ વાગ્યા સુધી નવસારી જિલ્લામાં નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના કુલ-૮૦ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે. ચીખલી તાલુકાના ૨૮ રસ્તાઓ, વાંસદા તાલુકાના ૨૭ રસ્તાઓ, ગણદેવી તાલુકાના ૧૩ રસ્તાઓ, ખેરગામ તાલુકાના ૦૬ રસ્તા, નવસારી તાલુકાના ૦૪ રસ્તાઓ અને જલાલપોર તાલુકાના ૦૨ રસ્તાઓ મળી નવસારી જિલ્લાનાકુલ-૮૦ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.
આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા આ તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.