BANASKANTHAGUJARATPALANPUR

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫,અંબાજી અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

Show my Parking એપથી ઘેર બેઠાં પોતાના વાહનનું પાર્કિંગ બુક કરી શકાશે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો : અંબાજી મહા મેળા માટે QR કોડ આધારિત પાર્કિંગ ટિકિટ સહિત ગૂગલ મેપ લોકેશન ઉપલબ્ધ થશે શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી વ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી “Show my Parking” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં “અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫” ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. આ વિગતો ભરીને “Book” પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ૨૦૨૫ ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિગની કોઈપણ સમસ્યા ઉભી ના થાય તેના માટે આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!