GUJARATKUTCHMANDAVI

“અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન”- અભિયાનની કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણીની તૈયારી.

આપણી શાળા- આપણુ તીર્થ, આપણુ સ્વાભિમાન અને રાષ્ટ્ર નિર્માણનો આધાર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા સમગ્ર દેશમાં ૧લી સપ્ટેમ્બરના રોજ એક અનોખા અભિયાન “અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન” નો પ્રારંભ થવાનો છે. દેશભરના પાંચ લાખથી વધુ વિદ્યાલયોમાં આ અભિયાન સાથે શિક્ષકો અને વિધાર્થીઓ જોડાશે. ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને કચ્છ જિલ્લાના શાળાઓમાં પણ આ અભિયાનને ઉત્સાહભેર અમલમાં મૂકવામાં આવશે.આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે શાળાને ફક્ત શિક્ષણના કેન્દ્ર તરીકે જ નહી, પરંતુ સંસ્કાર, શિસ્ત, સંસ્કૃતિ, ચારિત્ર્ય, દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણના પવિત્ર સ્થાન તરીકે સ્થાપિત કરવામાં આવે.વિવિધ મહાનુભાવોએ પોતાના શુભેચ્છા સંદેશ વડે સંગઠનના અભિયાનને શુભકામનાઓ પાઠવેલ હતી. તે પૈકી આ અભિયાન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુઓને આપેલા આદર દ્વારા ગુરુ-શિષ્ય પરંપરાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે આ અભિયાન શિક્ષણ પરંપરાને વધુ મજબૂત બનાવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ સંકલ્પ માત્ર શબ્દો નથી પરંતુ શિક્ષણને ગુણવત્તાસભર અને રાષ્ટ્રીય હિતમય બનાવવા દિશામાં એક જીવંત દસ્તાવેજ છે.શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે ઉમેર્યું કે નવી શૈક્ષણિક નીતિ-૨૦૨૦ સર્વાંગી વિકાસ માટે છે અને આ અભિયાન શાળાને દેવાલય સમાન ગૌરવ આપશે.ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે શાળાઓમાં સ્વચ્છતા, સહકાર, શ્રમાનુભવ અને વાલી-શિક્ષક સંવાદ જેવી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન ઉપરાંત જીવનમૂલ્યોનું સંવર્ધન થશે.રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે આ અભિયાન દ્વારા શિક્ષક-વિદ્યાર્થીઓની હાજરી, ગુણવત્તા, સ્વચ્છતા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો અમલ થઈ શાળા રાષ્ટ્રનિર્માણનું તીર્થ બનશે.

વિધાર્થી-શિક્ષકનો સંકલ્પ: અભિયાન અંતર્ગત પ્રાર્થના સભામાં સમગ્ર શિક્ષકમંડળ અને વિદ્યાર્થીઓ સંકલ્પ લેશે કે શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ અને હરિયાળી બનાવશે. શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરશે. ભેદભાવ વિના સમભાવથી ભણવા-ભણાવવાનો માહોલ સર્જશે અને શિક્ષણને માત્ર જ્ઞાન નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ અને સમાજસેવાનું સાધન બનાવશે.

અમલ માટેના મુખ્ય મુદ્દા: સમયસર ઉપસ્થિતિ : શિક્ષક-વિધાર્થી સૌની હાજરી

સ્વચ્છતા અભિયાન : શાળા પરિસરની નિયમિત સફાઈ સહયોગ : ગરીબ વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો અને યુનિફોર્મમાં સહાય

સ્પર્ધાઓ : લેખન, ભાષણ, ચિત્રકલા, યોગ, ગાન, રમતગમત વગેરે

વિશિષ્ટ પહેલ : પુસ્તકાલય, ભારતમાતા મંદિર, સરસ્વતી મંદિર, મહાનુભાવોની ગેલેરી

વાલી-શિક્ષક સંવાદ : ગૃહમુલાકાત દ્વારા વ્યક્તિગત સંપર્ક

શ્રમાનુભવ : વૃક્ષારોપણ, ઉદ્યાન વિકાસ અને વર્ગખંડની સફાઈ

સામૂહિક રજુઆત : પ્રાર્થના, ગીત, સુભાષિત, વાર્તા વગેરે અભિયાનનો રાષ્ટ્રલક્ષી સંદેશ: જ્યારે વિદ્યાર્થી પોતાની શાળાને તીર્થ સમજે, શિક્ષક પોતાની ફરજને રાષ્ટ્રસેવા માને અને વાલી શાળાને રાષ્ટ્રનિર્માણનું કેન્દ્ર માને—ત્યારે ભારતનું ભવિષ્ય તેજસ્વી, ગૌરવમય અને અખંડ બનશે.

 

કચ્છ જિલ્લા સહીત સમગ્ર ગુજરાતની શાળાઓમાં આ અભિયાનને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગો કચ્છની તમામ શાળાઓને આ અભિયાનમાં જોડાઈ પોતાની શાળાને તીર્થ, સ્વાભિમાનનું પ્રતીક અને રાષ્ટ્ર નિર્માણનો આધાર બનાવવા હાર્દિક અપીલ કરે છે.

Back to top button
error: Content is protected !!