AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલની બદલી થતા ભાવભીનું વિદાય સન્માન કરવામાં આવ્યું

“પ્રોજેક્ટ દેવી” અને “સંવેદના પ્રોજેક્ટ” જેવા અનોખા કાર્યોની સરાહના..

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક (એસપી) એસ.જી. પાટીલની બદલી થતા તેમના સન્માન અને વિદાય માટે એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિક્ષક એસ.જી પાટીલને તેમના અતુલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

એસ.જી. પાટીલ ડાંગ જિલ્લામાં સૌપ્રથમ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) તરીકે આવ્યા હતા અને તાજેતરમાં જ તેમને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બઢતી મળી હતી. તેમનો ડાંગ જિલ્લા સાથેનો સંબંધ માત્ર વહીવટી નહોતો, પરંતુ અહીંના લોકો સાથે તેમણે એક ભાવનાત્મક નાતો પણ જોડ્યો હતો. તેમની ફરજ દરમિયાન તેમણે શાંતિપૂર્ણ અને નિખાલસતાપૂર્વક વર્તન કરીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો.એસ.જી. પાટીલના કાર્યકાળ દરમિયાન ડાંગમાં અનેક નોંધપાત્ર પહેલ શરૂ કરવામાં આવી હતી, જેમાં  પ્રોજેક્ટ દેવી અંતર્ગત મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેણે જિલ્લાની મહિલાઓમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી.પ્રોજેક્ટ સંવેદનાની   પહેલ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવતી હતી, જેના કારણે પોલીસ પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ વધુ હકારાત્મક બન્યો હતો.પ્રવાસી મિત્ર (Pravasi Mitra) પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે સુરક્ષા અને સહાયતા પૂરી પાડવા માટે આ પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી સાબિત થયો.આહવા નગરમાં યોજાયેલા સાર્વજનિક નવરાત્રી મહોત્સવ જેવા મોટા કાર્યક્રમોમાં સાઇબર ક્રાઈમ અંગે જાગૃતિ ફેલાવવાનું તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યુ હતુ.જેણે લોકોને ડિજિટલ ફ્રોડથી બચવામાં મદદ કરી હતી.આ વિદાય સમારંભમાં ડાંગ વાસુર્ણાનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ વિશેષ રીતે ઉપસ્થિત રહીને પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને ડાંગનું પરંપરાગત ધનુષ અને બાણ અર્પણ કરી આદિવાસી સંસ્કૃતિ મુજબ તેમનું સન્માન કર્યું હતુ.રાજવીએ એસ.જી પાટીલના સકારાત્મક અને પ્રજાલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકોમાં જયદીપ સરવૈયા અને જનેશ્વર નલવૈયા સહિત જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઈ.), પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પી.એસ.આઈ.), અને અન્ય પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલને મોમેન્ટો,શ્રીફળ આપી તથા શાલ ઓઢાડી નવા કાર્યક્ષેત્ર માટે શુભેચ્છાઓ પાઠવી હતી..

Back to top button
error: Content is protected !!