
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. ૨૫ ઓગસ્ટ : પર્યુષણ મહાપર્વ નિમિત્તે મુન્દ્રા શહેર ધર્મમય બની ગયું છે. તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ બિરાજતા પૂજ્ય તીર્થ વંદનજી મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંત ચારુ પ્રસન્નાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્વના પાંચમા દિવસે, ત્રિશલા માતાના ૧૪ સ્વપ્નોની ઉછામણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે પ્રભુજીનું પારણું ઘરે પધરાવવાનો અને સિદ્ધાર્થ મહારાજા બનવાનો લાભ મહેતા ધારશીભાઈ ખેતશીભાઈ પરિવારે લીધો હતો. આ ઉપરાંત, શહેરમાં “જય મહાવીર”ના જયઘોષ સાથે ભવ્ય વરઘોડો પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
પર્યુષણના આ પાવન અવસરે, મુન્દ્રાના તમામ જિનાલયોમાં ભગવાનની આકર્ષક આંગી રચવામાં આવી હતી, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે, અદાણીના રક્ષિતભાઈ શાહ અને ડૉ. રાજેશ શુક્લાનું તપગચ્છ જૈન સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.પર્વના અંતિમ દિવસે, તા. ૨૭-૮-૨૫ના રોજ, સંવત્સરી પ્રતિક્રમણ બાદ મિચ્છામી દુક્કડમનો કાર્યક્રમ યોજાશે. પ્રિયમવંદા દાસી બનવાનો લાભ મહેતા ગુલાબબેન નાગજીભાઈ પરિવારે લીધો હતો.આ સમગ્ર માહિતી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા અને સહમંત્રી વિનોદ મહેતાએ સંયુક્ત યાદીમાં જણાવી છે.




