અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં દત્તક વિધાન દ્વારા નવી આશાનો સંચાર,દત્તક પ્રક્રિયાનો ભાવનાત્મક સમારોહ
અરવલ્લીમાં રિલેટીવ અને સ્ટેપ પેરેન્ટ એડોપ્શનથી બાળકોનું જીવન સંવર્યું અરવલ્લીમાં બાળકોને શૈક્ષણિક કીટ અને વાલીઓને દત્તક ઓર્ડરની ભેટ
અરવલ્લી જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા દત્તક વિધાનની પ્રક્રિયા હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સ્ટેપ પેરેન્ટ એડોપ્શન હેઠળ 2 બાળકો અને રિલેટીવ એડોપ્શન હેઠળ 1 બાળકને દત્તક આપવામાં આવ્યું.આ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની ઉપસ્થિતિમાં માનનીય કલેક્ટર ના હસ્તે દત્તક લીધેલા બાળકોને શૈક્ષણિક કીટ તથા તેમના વાલીઓને એડોપ્શન ઓર્ડર આપવામાં આવ્યા. કલેક્ટર એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને મીઠાઈ આપીને અભિનંદન પાઠવ્યા તેમજ દત્તક વાલીઓને બાળકોના યોગ્ય ઉછેર અને શિક્ષણ માટે માર્ગદર્શન આપ્યું.આ કાર્યક્રમને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ પહેલ બાળકોના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા એડોપ્શન રેગ્યુલેશન-2022નો અમલ કરવામાં આવ્યો છે, જે દેશભરમાં દત્તક પ્રક્રિયાને નિયંત્રિત અને સરળ બનાવે છે. આ નિયમો હેઠળ કલમ-54 અને કલમ-55 અનુસાર રિલેટીવ પેરેન્ટ એડોપ્શન તથા સ્ટેપ પેરેન્ટ એડોપ્શનની જોગવાઈ કરવામાં આવી છે.જો કોઈ દત્તક ઈચ્છુક દંપતી તેમના સગા-સંબંધીના બાળકને દત્તક લેવા માંગતા હોય, તો તેઓ રિલેટીવ પેરેન્ટ એડોપ્શન હેઠળ અરજી કરી શકે છે. આ પ્રક્રિયા બાળકના કલ્યાણ અને કુટુંબની નિકટતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.જ્યારે બાળકના કુદરતી માતા-પિતામાંથી કોઈ એકનું અવસાન થયું હોય અથવા કાયદાકીય રીતે બંને વાલી અલગ થઈ ગયા હોય અને તેમાંથી કોઈ એક વાલીએ પુનઃલગ્ન કર્યા હોય, તો બાળકને કાયદાકીય રીતે પોતાની સાથે રાખવા માટે સ્ટેપ પેરેન્ટ એડોપ્શન હેઠળ અરજી કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાળકના કાયદાકીય અધિકારો અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે.આ બંને પ્રકારની દત્તક પ્રક્રિયાઓ માટે અરજીઓ Central Adoption Resource Agency (CARA) ના ઓનલાઈન CARINGS પોર્ટલ પર રજીસ્ટ્રેશન દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે. આ પોર્ટલ દત્તક પ્રક્રિયાને પારદર્શક, સરળ અને સુવ્યવસ્થિત બનાવે છે, જેથી બાળકોના હિતોનું રક્ષણ થાય અને દત્તક ઈચ્છુક વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળે.મહિલા અને બાળ વિકાસ વિભાગ આ નિયમો દ્વારા બાળકોના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે.