GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં વિધાસહાયક ખાસ ભરતીનો બીજો તબક્કો જાહેર.

ઉમેદવારોને તા. ૨ અને ૩ સપ્ટેમ્બરના જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી , તા-૩૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી ધો.- ૧ થી ૫ ગુજરાતી માધ્યમ વર્ષ ૨૦૨૫ અંતર્ગત તા.૮/૫/૨૦૨૫ની જાહેરાતના ઉમેદવારો માટે ગત ૧૨ ઓગસ્ટના રોજ ફાઈનલ મેરીટયાદી બહાર પાડવામાં આવી હતી અને મેરિટમાં આવતા ઉમેદવારોને ૧૯ થી ૨૯ ઓગસ્ટ દરમ્યાન ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા હતા. પરંતુ પ્રથમ તબક્કામાં ૨૫૦૦ જગ્યાઓ સામે કચ્છ જિલ્લાને માત્ર ૯૪૧ જેટલા જ ઉમેદવારો મળતાં આખરે ધારણા મુજબ ભરતીનો બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે.

આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી – ૨૦૨૫ (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) તા.૮/૫/૨૦૨૫ ની જાહેરાતના ઉમેદવારો માટે બીજા તબક્કાના કોલ-લેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે. જે મૂજબ કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી વર્ષ ૨૦૨૫ ના નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫) ના ઉમેદવારો તા.૩૦/૮/૨૦૨૫ ના રોજ ૧૮:૦૦ કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇન મેળવી શકશે. કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી વર્ષ ૨૦૨૫ ના નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫) માં જનરલ મેરીટ નંબર ૧ થી ૩૦૦૦ સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં બોલાવેલ હતાં ત્યાર પછીના જનરલ મેરીટ નંબર ૩૦૦૧ પછીના ફાઈનલ મેરીટયાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.૨/૯/૨૦૨૫ થી તા.૩/૮/૨૦૨૫ દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે. પરંતુ જે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થઇ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિન-અનામત તરીકેની પાત્રતા ધરાવતાં નથી તેવા ઉમેદવારોને કોલલેટર આપવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઇન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. આ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે. જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે. આ સાથે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા સૂચના અપાઈ છે.

Back to top button
error: Content is protected !!