GUJARATKUTCHMANDAVI

ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ૭૬માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ.

બાળકોને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવા પર્યાવરણનું સંરક્ષણ જરૂરી : શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચેરમેન, રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

વન મહોત્સવ એ કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢીના સ્વસ્થ ભવિષ્ય તરફનું હકારાત્મક પગલું: સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા.

પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા સરપંચશ્રીઓ તથા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું : વૃક્ષરથને લીલીઝંડી અપાઇ

માંડવી,તા૦૨ સપ્ટેમ્બર : કચ્છમાં ૭૬માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મોરબી કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાની ગરીમામય ઉપસ્થિતિમાં આજરોજ ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી.

સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત ૭૬મો વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરએ જણાવ્યું હતુ કે, વન મહોત્સવ એ કોઈ ઉજવણી નથી પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો પવિત્ર સંકલ્પ છે. પર્યાવરણના અભિન્ન અંગ એવા વૃક્ષો માત્ર છોડ નથી તે જીવનરેખા સમાન છે. વૃક્ષ પ્રાણવાયુ, ફળફૂલ, છાંયડો આપે છે જેથી તેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. તેઓએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી અને ગુજરાત સરકારે દીર્ઘ દ્રષ્ટિથી “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કર્યું છે ત્યારે દરેક નાગરિકે પવિત્ર ધરતીને અંજલિરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવાના સંકલ્પ સાથે તેમાં જોડાવું જોઇએ.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કચ્છ જૈવવિવિધતાની દ્રષ્ટિએ સમૃદ્ધ જિલ્લો છે, રાજ્યમાં હાલ સૌથી વધુ વનવિસ્તારમાં વધારો કચ્છ જિલ્લામાં નોંધાયો છે ત્યારે આ ચમત્કાર સરકાર તથા નાગરિકોનો સહયારો પ્રયાસ દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકોએ દેશનું ભાવિ છે ત્યારે આવનારી પેઢીને સુરક્ષિત અને સ્વચ્છ જીવન, સ્વચ્છ વાતાવરણ આપવું આવશ્યક છે. ત્યારે તેમણે દરેક વ્યક્તિને પર્યાવરણ સંવર્ધનમાં સહભાગી બનવા તથા “હરીયાળું કચ્છ તો હરીયાળું ગુજરાત”ની નેમ સાથે વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ઉમેર્યું હતું કે, છેવાડાના ગામ સુધી પ્રાથમિક જરૂરિયાતો સાથે વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વડાપ્રધાનશ્રીએ “ એક પેડ મા નામ” અભિયાન સાથે લોકોને એક તાંતણે બાંધ્યા છે. જેના પરિણામ સ્વરૂપ એક સમયે વારંવાર દુષ્કાળનો સામનો કરતા કચ્છમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. તેમણે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ જિલ્લાના દરેક નાગરિકો, ખેડૂતો, વનવિભાગ, સરકારશ્રીના વિવિધ યોજનાકીય પ્રયાસો, પાણી બચવાની પહેલ સહિતના કાર્યો થકી આ બદલાવ શક્ય બન્યો હોવાનું જણાવીને તેમણે વૃક્ષો વાવવા, જતન કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામા આવેલા વન મહોત્સવ એ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢીના સ્વસ્થ ભવિષ્ય તરફનું હકારાત્મક પગલું છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ દવેએ નાગરિકોને વૃક્ષો અને પ્રાણીઓ સાથે ભાવનાત્મક સંબંધ કેળવી તેમનું રક્ષણ કરી નૈતિક ફરજ બજાવવા સૂચન કર્યું હતું. આ સાથે કચ્છના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૧૬૫.૫ હેક્ટર વિસ્તારમાં કુલ ૩ લાખથી વધુ રોપાનું વાવેતર કર્યું છે તેમજ નવા આયોજન મુજબ ૨૨૦ ગામ, ૧૦ તાલુકા અને ૧ મહાનગર પાલિકામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે દરેક નાગરિકોએ તેમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છના સાનુકૂળ વાતાવરણને અનુરૂપ ખેર, બાવળ, ગૂગળ, ગુંદા, રાયણ, આંબો સહિતના વૃક્ષો વાવી તેનું જતન કરવા સુચન હતું. તેમણે ખેડૂતો, માલધારીઓ અને નાગરિકોને વન વિભાગ સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, વન મહોત્સવએ પ્રકૃતિ સાથેનો સ્નેહ, જવાબદારી અને આવનારી પેઢીને હરીયાળું ભવિષ્ય આપવાની ભેટ છે. ત્યારે કચ્છને વધુ લીલુંછમ બનાવવા દરેક નાગરિકે એક નહીં પણ પાંચ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો સંકલ્પ કરી પ્રકૃતિના આશીર્વાદ મેળવવા અનુરોધ કર્યો હતો.

આ મહોત્સવમાં વિવિધ શાળાની વિદ્યાર્થિનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા ગામના સરપંચશ્રી, આગેવાનો, સ્વયંસેવી સંસ્થાઓ તથા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલીઝંડી આપવામાં આવી હતી.

કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, કિસાન સંઘ પ્રમુખ શ્રી કમંણભાઇ ગંગાણ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી જે.આર.પટેલ, પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી એચ.જે. ઠક્કર, બન્ની નાયબ વન સંરક્ષકશ્રી એન.વી.ચૌધરી, મદદનીશ વન સંરક્ષકશ્રી પી.એન.વાઘેલા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. મોહન પટેલ, રજિસ્ટ્રાર શ્રી ડૉ. અનીલ ગોર તથા અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી, ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!