GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો : માનવતા ક્યાં ખોવાઈ ગઈ છે?

રિપોર્ટ : પૂજા ઠક્કર, મુંદરા-કચ્છ.

મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો : માનવતા ક્યાં ખોવાઈ ગઈ છે?

મુંદરા, તા. ૩ :
બંદરીય નગરી મુંદરામાં ટ્રાફિકનો બેફામ બોજ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. ખાસ કરીને બારોઈ રોડ અને બસ સ્ટેશન પાસે તો સવાર-સાંજ વાહનોની ભીડમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે. આજે પણ બારોઈ રોડ પર રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક નનામી નીકળી હતી, પરંતુ તેને જવા માટે જગ્યા જ ના મળતાં રસ્તા પર જ થંભી જવું પડ્યું હતું. ત્યારે લોકોએ સીધો સવાલ કર્યો હતો કે “મુન્દ્રાની માનવતા ક્યાં ખોવાઈ ગઈ?”
થોડા દિવસો પહેલાં રોકડિયા હનુમાન મંદિર પાસે બનેલા અકસ્માતમાં ખારવા સમાજના એક વડીલ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. એફ.આઈ.આર. મુજબ, એક હાઈડ્રા ક્રેન (નં. જીજે-૧૨-સીએમ-૮૭૫૨) ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતાં પીડિતને અડફેટમાં લઈ મોત નિપજાવ્યું હતું અને ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.
પરંતુ સીસીટીવી ફૂટેજ અને લોકમુખે ચર્ચાઓ પ્રમાણે હકીકત જુદી છે. ઘટના સમયે સામેથી અદાણી કંપનીના કર્મચારીઓને લઈ જતું એક સ્ટાફ વાહન રોડની વચ્ચે આવી ગયું હતું. અકસ્માત ટાળવા હાઈડ્રા ચલાવનાર સામાન્ય મજૂરે પોતાનું વાહન સાઈડમાં લેતાં, મંદિરે દર્શન કરી રહેલા ખારવા વડીલ પાછળના પૈડામાં આવી જતા તેમનું મોત થયું હતું. તસ્વીરમાં આ સ્ટાફ વાહન સ્પષ્ટ દેખાય છે, છતાં કોઈ તંત્ર કે જવાબદાર વ્યક્તિ આ મુદ્દે ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આજકાલ મુન્દ્રામાં એવા ૧૦૦ જેટલા સ્ટાફ વાહનો કે જેને લોકો “સફેદ આંખલા” તરીકે ઓળખે છે તે શહેરની સડકો પર બેફામ રીતે ફરી રહ્યા છે. આ વાહનોના કારણે સામાન્ય લોકો, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને પગપાળા ચાલકો જીવના જોખમ સાથે મુસાફરી કરવા મજબૂર છે.
મુખ્ય બાબત તો એ છે કે અકસ્માત જ્યાં બન્યું તે રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં સરકારી દવાખાનું આવેલું છે, જ્યાં દરરોજ ૩૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. દવાખાનાની બાજુમાં મહિલા કોલેજ અને તેની આગળ ત્રણ સરકારી શાળાઓ આવેલ છે, જ્યાં આશરે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આવા સતત અવરજવર વાળા વિસ્તારમાં ભારે વાહનો અને સ્ટાફ બસોની બેફામ દોડ ધામને લઈને સ્થાનીકોમાં ભારે રોષ છે અને લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આવા વાહનો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
આ ઘટના હોસ્પિટલથી ફક્ત ૧૦૦ મીટર નજીક બની હોવા છતાં અનેક વાહનચાલકો ત્યાંથી પસાર થયા હતા પણ કોઈએ ઘાયલને તાત્કાલિક મદદ કરવાની માનવ ફરજ નિભાવી નહોતી.
અકસ્માત બાદ ખારવા સમાજે એક દિવસ રસ્તા ઉપર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ત્યારબાદ વાત ફરી રાબેતા મુજબ વાત દબાઈ ગઈ કે દબાવી દેવામાં આવી? આ સવાલ સૌના મુખે છે. હાલ તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સ્મશાન યાત્રા જેવી અંતિમ વિધી પણ ગાંડાતૂર ટ્રાફિકના કારણે કલાકો સુધી અટવાઈ રહે છે.
લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે “શું મુન્દ્રા શહેરમાંથી માનવતા ખોવાઈ ગઈ છે? શું નાના મજૂર ડ્રાઈવર પર જ સઘળો ગુનો નાખીને મોટા પ્રભાવશાળી વાહનોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?”
ત્યારે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ અને તંત્રનું મૌન ઘણું બધું કહી જાય છે.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

 

Back to top button
error: Content is protected !!