MoUના માધ્યમથી ભુજ ખાતે પશુપાલન ખાતા હસ્તકની ૩૮ એકર અને ૨૩ ગુંઠા જમીન તથા તેના પરની મિલકત કામધેનુ યુનિવર્સિટીના હસ્તક સોંપાઈ
કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય માટે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર (MoU) સંપન્ન.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૩ સપ્ટેમ્બર : રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર અને પશુ સારવાર સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ-ભુજ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા માટે પશુપાલન ખાતા અને કામધેનુ યુનિવર્સિટી-ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર અને કામધેનું યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ડી. પી. ટાંક દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયને મંજૂરી આપવામાં આવી હતી. આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂજ ખાતે પશુપાલન ખાતાના માલિકી હેઠળની ૩૮ એકર અને ૨૩ ગુંઠા જમીન અને તેના પર આવેલી તમામ સ્થાવર-જંગમ મિલકતો કામધેનુ યુનિવર્સિટી હસ્તક સોંપવાનો છે. આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક, સંશોધન તથા વિસ્તરણ કાર્યો માટે કરવામાં આવશે.વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા-નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ જરૂરી જમીન, મકાન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સમજૂતી કરાર ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુચિકિત્સા અને સંશોધનના લાભો મળશે.આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અંદાજે ૩૮ જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. ભુજ ખાતે આ નવીન મહાવિદ્યાલય કાર્યરત થતાં ગુજરાતમાં કુલ છ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થશે, જે પશુપાલન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપશે.




