સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે ત્રિમંદિરમાં તાલીમ કાર્યક્રમ યોજાયો
ત્રણ ગ્રામ પંચાયતોના કુલ ૧૮૦ ક્લસ્ટરમાં કામ કરતા સીઆરપી અને કૃષિ સખીઓ થયા સહભાગી

તા.03/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ત્રણ ગ્રામ પંચાયતોના કુલ ૧૮૦ ક્લસ્ટરમાં કામ કરતા સીઆરપી અને કૃષિ સખીઓ થયા સહભાગી
સુરેન્દ્રનગર જિલ્લાને પ્રાકૃતિક કૃષિનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્યથી, આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર દ્વારા ત્રિમંદિર ખાતે એક વિશેષ રિવ્યુ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતોના કુલ ૧૮૦ ક્લસ્ટરમાં કામ કરતા સીઆરપી અને કૃષિ સખીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્થાનિક સ્તરે બાય ઈનપુટ્સના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાનો હતો આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું હતું કે, આ કાર્યક્રમ સામાન્ય નથી, પરંતુ જિલ્લાને પ્રાકૃતિક કૃષિનું હબ બનાવવા માટે સમર્પિત ખેડૂતો અને બહેનોનો કાર્યક્રમ ગણાવ્યો હતો તેમણે પ્રાકૃતિક કૃષિ અભિયાનને એક યજ્ઞ સમાન ગણાવ્યો હતો, જેનાથી ભવિષ્યમાં કપાસ જેવા પાક ઝેરમુક્ત બની શકે તેમણે દરેક સીઆરપી અને કૃષિ સખીને આ યજ્ઞમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના ગ્રીન કમાન્ડો ગ્રુપના કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના બાયોટેક યુનિટ અને દસપર્ણી અર્ક જેવા બાયો-ઈનપુટ્સ બનાવવા માટે જરૂરી વનસ્પતિઓના વાવેતર માટે ૪ એકર જમીન પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના સમૂહને અર્પણ કરી છે આ તકે કિરીટભાઈ પટેલે જણાવ્યું કે સુરેન્દ્રનગરના ખેડૂતોએ જાતે જ વિવિધ બાયો-ઈનપુટ્સ તૈયાર કરવા જોઈએ અને તેને ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે આસપાસના ગામોમાં વિતરણ કરવા માટે પહેલ કરવી જોઈએ. તેમણે આ કાર્યને એક ઈશ્વરીય કાર્ય ગણાવ્યું અને હાજર રહેલા સૌને આ કામમાં જોડાવા માટે અપીલ કરી. સાથે જ, તેમણે ગ્રીન કમાન્ડો તરફથી પ્રાકૃતિક ખેતી માટે જરૂરી બાયો-ઈનપુટ્સ પૂરા પાડવાની તૈયારી પણ દર્શાવી હતી આ પ્રસંગે ગ્રીન કમાન્ડોના પ્રતિનિધિ જયદીપભાઈ બાવળાએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લાને પ્રાકૃતિક ખેતી માટે એક મોડેલ તરીકે જુએ છે તેમણે કહ્યું કે અહીંનો આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ બોર્ડનો સ્ટાફ ખંતપૂર્વક કામ કરી રહ્યો છે જેના પરિણામે દસપર્ણી અર્ક દરેક ગામ સુધી પહોંચી રહ્યો છે તેમણે રાસાયણિક ખાતરો કરતાં પણ જંતુનાશકોથી જીવસૃષ્ટિને થતા જોખમ વિશે ચેતવતાં વધુ ઉમેર્યું હતું કે કપાસના હબ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાનું આ અભિયાન અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા આપશે વઢિયાર FPO- માંડલના ડિરેક્ટર અને ગ્રીન કમાન્ડોના કોર સભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, તેઓ સુરેન્દ્રનગરને પ્રાકૃતિક ખેતી માટે તમામ સહયોગ પૂરો પાડશે તેમણે માંડલ વિસ્તારમાં શરૂ કરાયેલા એક વિશેષ અભિયાન વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત, જ્યાં દેશી ગાયોની સંખ્યા ઓછી છે ત્યાં ખેડૂતોને પાંચ પ્રકારના બેક્ટેરિયા ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે પૂરા પાડવામાં આવે છે જેને ખેડૂતો ગોળ અને છાશની મદદથી ઘરે જ મલ્ટિપ્લાય કરી વાપરી શકે છે. જેના પરિણામો પણ ઘણા સારા મળ્યા છે કાર્યક્રમમાં, પ્રાકૃતિક કૃષક કાળુભાઈ પટેલે પોતાના અનુભવના આધારે જણાવ્યું કે, ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની રહેશે તેમણે આગવી શૈલીમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જણાવી, દરેક ખેડૂતને પ્રાકૃતિક કૃષિની દિશામાં વળવા આહ્વાન કર્યું હતું આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક બોર્ડના સ્ટાફ દ્વારા દરેક ક્લસ્ટરમાં દસપર્ણી અર્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ બાંભણિયાએ અને આભાર વિધિ આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્યાણભાઈ ભુવાએ કરી હતી.





