વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૦૬ સપ્ટેમ્બર : ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજીના સમયને અનુકૂળ શિક્ષણ અર્પી વિશિષ્ટ કાર્ય કરતાં વિવિધ ૧૯ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ૩૭ શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને ‘પ્રેરણા સંવાદ’ યોજ્યો હતો. આ સંવાદમાં સરહદી જિલ્લા કચ્છના અંતરિયાળ અબડાસા તાલુકાની ખીરસરા પ્રાથમિક શાળાના સુરેખાબેન મહેન્દ્રસિંહ ઝાલા પણ જોડાયા હતાં. ખીરસરા પ્રાથમિક મદદનીશ શિક્ષક તરીકે ૭ વર્ષથી ફરજ બજાવતાં સુરેખાબેન બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા લાગતાં વિષયોના મોડેલ બનાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પ્રેરણાદાયી કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી ના ‘પ્રેરણા સંવાદ’માં સહભાગી બનવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં શિક્ષિકા સુરેખાબેને જણાવ્યું હતું કે, બદલાતી શિક્ષણની પરિભાષાના સમયમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું આવશ્યક છે. ત્યારે તેઓ આ બાબતે કામગીરી કરી રહ્યા છે. બાળકોને શિક્ષણપ્રત્યે રુચી દાખવવા ઈતર પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપવાના તેઓ ખાસ પ્રયત્નો કરી રહ્યા છે. આ સાથે જ તેઓ શાળામાં સતત ગેરહાજર રહેતા બાળકોની હાજરી વધે તે દિશામાં કાર્ય સાથે બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બની પર્યાવરણ સંવર્ધન કરે તેવી પ્રવૃતિઓ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયો અધરા લાગતા હોય છે, ત્યારે તેને સરળ બનાવવા માટે તેઓ મોડલ્સ તૈયાર કરીને આ વિષયોનો અભ્યાસ કરાવી રહ્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, ખીરસરા પ્રાથમિક શાળામાં તેમના માર્ગદર્શન હેઠળ ગણિત અને વિજ્ઞાન વિષયોના મોડલ્સ બનાવી શિક્ષણની ઈનોવેટીવ પ્રવૃતિ કરવામાં આવી હોવાથી વર્ષ ૨૦૨૩માં તાલુકા અને જિલ્લાકક્ષાએ યોજાયેલ પ્રદર્શનમાં તેમની શાળાની પસંદગી કરવામાં આવી હતી. વધુમાં તેઓએ મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને યોજાયેલ ‘પ્રેરણા સંવાદ’ આમંત્રિત કરવામાં આવ્યા તે બદલ સરકાર નો તથા જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો.