ભારતીય ઈક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો હિસ્સો ગયા મહિને ઘટીને છેલ્લા 13 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટીને માત્ર 15.85 ટકા રહ્યો છે.
મૂલ્યની દ્રષ્ટિએ, ઓગસ્ટ 2025માં વિદેશી રોકાણકારોની ઈક્વિટી એસેટ્સનો આંક રૂપિયા 70.33 લાખ કરોડ રહ્યો હતો, જ્યારે જુલાઈમાં આ આંક રૂપિયા 71.97 લાખ કરોડ હતો. એટલે કે માત્ર એક મહિને 2.30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂપિયા 1.70 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.
બીજી બાજુ, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII)નો હિસ્સો સતત વધી રહ્યો છે. જૂન ત્રિમાસિકના અંતે તેમનો હિસ્સો વધી 17.82 ટકા પર પહોંચી ગયો હતો. આ ત્રિમાસિક દરમિયાન તેમણે રૂપિયા 5.20 લાખ કરોડનું મોટું રોકાણ કર્યું હતું. હકીકતમાં, માર્ચ 2025થી જ DIIનો હિસ્સો FII કરતા વધારે થઈ ગયો છે અને ત્યારથી આ અંતર સતત વધી રહ્યું છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં ઘરેલુ રોકાણકારોની મજબૂત ખરીદીના કારણે ભારતીય બજારમાં સ્થિરતા જળવાઈ રહી છે. તેનો પુરાવો એ છે કે સેન્સેક્સ અને નિફટી50 બંને આ જ સમયગાળામાં લગભગ 4 ટકા જેટલા વધી ગયા છે.
ઓગસ્ટ મહિનામાં વિદેશી રોકાણકારોએ સૌથી વધુ વેચવાલી નાણાકીય સેવા ક્ષેત્રમાં કરી હતી. અહીંથી તેમણે રૂપિયા 23,300 કરોડ ઉપાડી લીધા હતા. આઈટી ક્ષેત્રમાં રૂપિયા 11,285 કરોડ અને ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રમાં રૂપિયા 6,100 કરોડના શેર વેચાયા હતા. જોકે ટેલિકોમ, બાંધકામ સામગ્રી, ઓટો અને કેપિટલ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં તેમની ખરીદીની રુચિ જોવા મળી હતી.
વિદેશી રોકાણકારોની વેચવાલીના મુખ્ય કારણોમાં ભારતીય ઈક્વિટીના ઊંચા મૂલ્યાંકન, અમેરિકાના ટેરિફ, મંદ પડી રહેલા કોર્પોરેટ અર્નિંગ્સ અને અમેરિકા, યુરોપ તથા ચીનમાં નીચા મૂલ્યાંકનવાળા શેરોની આકર્ષક તક સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીની સુધારેલી સ્થિતિને કારણે વૈશ્વિક માર્કેટ કેપ 15.82 ટ્રિલિયન ડોલર જેટલી વધી છે. જો કે તાજેતરમાં જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય ઈક્વિટીઓ તરફ વળશે.