
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ શહેરમાં મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય,ચાર રસ્તા ગ્રીન પાર્ક પાસે રજવાડી ચા સ્ટોલ આગળ ગંદકી
અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગ્રીન પાર્ક ચાર રસ્તા પાસે આવેલા રજવાડી ચા સ્ટોલ આગળ લાંબા સમયથી ગંદકીના ઢગલા સાથે પાણી ભરાઈ રહેતા પરિસ્થિતિ વિકટ બની રહી છે. શહેરના હૃદયસ્થળે આવી સ્થિતિ સર્જાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વરસાદી પાણી ભરાઈ જવાથી ગંદકીનું સામ્રાજ્ય વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. ચા સ્ટોલ આગળ કચરો, પાણી અને દુર્ગંધને કારણે સ્થાનિકો તથા અહીં આવતા લોકોને આરોગ્ય માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.
એક જાગૃત નાગરિકે આ પરિસ્થિતિનો વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડિઓ સામે આવ્યા બાદ નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે રોજ અનેક અધિકારીઓ આ માર્ગ પરથી પસાર થાય છે છતાં ગંદકી તરફ કોઈ ધ્યાન આપતું નથી.શહેરના મુખ્ય માર્ગ પર જ આવી બેદરકારી થતા તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉઠવા લાગ્યા છે. સ્થાનિક લોકો તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવે તેવી માંગણી કરી રહ્યા છે.




