વાગરા: યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં થયેલ કેબલ ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી જેકી પઠાણ ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ LCB એ છેલ્લા બે વર્ષથી ફરાર ચાલી રહેલા કેબલ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડીને એક મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને વોન્ટેડ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાનો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ LCBની વિવિધ ટીમોએ આ કેસને ઉકેલવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આ પ્રયાસો દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ તુવરની ટીમને એક ગુપ્ત બાતમી મળી હતી કે, બે વર્ષથી કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ જાકીર ઉર્ફે જેકી પઠાણ વાગરા ટાઉનમાં હનુમાન ચોકડી પાસે જોવા મળ્યો છે. આ બાતમી મળતા જ LCB ની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી અને હનુમાન ચોકડી પાસેથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ જાકીર ઉર્ફે જેકી આસિમભાઈ પઠાણ છે. જે હરિયાણાના નૂહ જિલ્લાના ઉજહીના થાનાનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ ધરપકડથી બે વર્ષ જૂના ગુનાનો ઉકેલ આવ્યો છે. અને ભરૂચ જિલ્લા પોલીસની સજાગતા અને તત્પરતા ફરી એકવાર સાબિત થઈ છે.



