Rajkot: શાળા-કોલેજ, યુનિ., નાગરિકોને ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ
તા.૧૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨૨મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે
સાંસદ ખેલ મહોત્સવ માટે પણ રજિસ્ટ્રેશન હાલ ચાલુ છે
રાજ્યમાં યોજાવા જઈ રહેલા ખેલ મહાકુંભ તેમજ સાંસદ ખેલ મહોત્સવ માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે સૌને અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે રજિસ્ટ્રેશન ૨૯મી ઓગસ્ટથી શરૂ થઈ ગયા છે અને ૨૨મી સપ્ટેમ્બર સુધી ચાલશે. રાજકોટ જિલ્લામાં ખૂબ સારી રીતે રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે.
તેમણે તમામ શાળા, યુનિવર્સિટીઝ, કોલેજો તથા તમામ શહેરી તથા ગ્રામ્યજનોને ખેલ મહાકુંભ માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી.
આ સાથે તેમણે કહ્યું હતું કે, હાલમાં સાંસદ ખેલ મહોત્સવના પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. આથી બંને ખેલ મહોત્સવ માટે રજિસ્ટ્રેશન કરાવીએ અને સમાજમાં રમત-ગમતના ઉપયોગ અને મહત્વનો વધુ પ્રચાર-પ્રસાર કરીએ. રમત-ગમત વ્યક્તિની તંદુરસ્તી જાળવવામાં ખૂબ મદદરૂપ છે ત્યારે તેના માટે આપણે સૌ આગળ આવીએ અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવીને, ખેલ મહાકુંભના આયોજનને સફળ બનાવીએ.
ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ માટે https://khelmahakumbh.gujarat.gov.in સાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.અંડર-૯,અંડર-૧૧, અંડર- ૧૪. અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
ખેલ મહાકુંભ-૨૦૨૫માં ખાસ ઈવેન્ટ્સ જેમ કે વેઈટલિફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સિંગ, શુટિંગ, જિમ્નાસ્ટિક્સ, મલખમ્બ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ તથા યોગાસન માટે અલગ ગ્રુપ મુજબ સ્પર્ધાઓ યોજવામાં આવશે. વધુ વિગતો વેબસાઈટ પરથી મેળવી શકાય છે.