વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૧ સપ્ટેમ્બર : કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ ભુજ અને ભચાઉ તાલુકાના વિવિધ વિસ્તારોમાં નગર પાલિકા દ્વારા સફાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા માખી, મચ્છરના કરડવાથી રોગચાળો ન ફેલાય તે હેતુથી વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.શહેરમાં પાણી અને જંતુજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુથી ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.નારાયણ સિંઘના માર્ગદર્શનથી આરોગ્ય કર્મચારીઓ,આશા બહેનોની ટીમો બનાવી ગામો ગામ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રોગચાળો ફેલાતો અટકાવવા ત્વરિત પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં પાણીમાં ક્લોરીનેશનની કામગીરી તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. પાણી ભરાયેલ સ્થળો પર બળેલું ઓઇલ અને ડાઈફ્લુબેન્ઝુરોનનો છટકાવ તથા વપરાસી પાણીમાં ટેમોફોસ, ડસ્ટિંગ તેમજ ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વરસાદી ઋતુમાં પાણીના વાસણો સાફ રાખવા અને ટાંકી હવાચુસ્ત રીતે બંધ રાખવી, આજુબાજુ પાણીનો ભરાવો હોય તો તેને નિયમિત સાફ કરવું, અગાસી કે ખુલ્લામાં પડેલ ભંગાર સાફ કરવો, ફ્રીજની ટ્રે સાફ રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને ઉકાળેલુ કે ક્લોરીનયુક્ત જ પાણી પીવું તથા પોષણયુક્ત ખોરાક લેવો તેમજ તાવ કે અન્ય બીમારી જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ એમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.