બનાસકાંઠાના સરહદી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
12 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના સરહદી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦થી વધારે ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરાઈ.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે. સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ ૧૦૦ થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.