વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં સાપુતારા અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા ગામડાઓ માટે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી શામગહાન ખાતેની સરકારી સામુહિક હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો દ્વારા સી.એનચ.સી હોસ્પિટલની બેદરકારી અને સુવિધાઓના અભાવ અંગેની ફરિયાદો ઉઠી રહી હતી.આ ફરિયાદોને પગલે ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી કાજલબેન આંબલીયાએ શામગહાન ગ્રુપ ગ્રામ પંચાયત અને સી.એચ.સી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે.જેણે તંત્રની ઘોર બેદરકારી છતી કરી છે.સૌથી ગંભીર બાબત એ હતી કે હોસ્પિટલમાં સ્ત્રીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા હોવા છતાં તે બંધ હાલતમાં જોવા મળ્યો હતો.
પ્રાંત અધિકારીની તપાસમાં જાણવા મળ્યુ કે પુરુષ વોર્ડમાં જ સ્ત્રી અને પુરુષ બંને દર્દીઓને એકસાથે સારવાર આપવામાં આવી રહી હતી.જ્યારે આ અંગે હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ પટેલને પૂછવામાં આવ્યુ તો તેમણે શૌચાલય બગડી ગયુ હોવાથી સ્ત્રી વોર્ડ છેલ્લા બે-ત્રણ દિવસથી બંધ હોવાનું ઉડાવ જવાબ આપ્યો.જોકે, પ્રાંત અધિકારીની ઉલટ તપાસમાં બહાર આવ્યુ કે સ્ત્રી વોર્ડ ઘણા મહિનાઓથી બંધ હતો અને શૌચાલયમાં પણ કોઈ ખામી ન હોવા છતાં માત્ર સફાઈથી બચવા માટે તેને બંધ રાખવામાં આવ્યો હતો.પ્રાંત અધિકારીએ તાત્કાલિક આ વોર્ડ ચાલુ કરવા માટે કડક સૂચનાઓ આપી છે. આ મામલે સ્થાનિક દર્દીઓએ જણાવ્યું કે ઇન્જેક્શન જેવી સારવાર દરમિયાન પુરુષો અને સ્ત્રીઓને સાથે રાખવામાં આવતા તેઓ શરમ અનુભવે છે,પરંતુ ગરીબ અને મજબૂર હોવાને કારણે તેઓ કંઈ બોલી શકતા નથી.આ તપાસ દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ વગર આવતા દર્દીઓને સારવારમાં પરેશાની અંગે પણ વિવાદ થયો. આ મુદ્દે ડોક્ટરે જણાવ્યું કે હોસ્પિટલના મેન્ટેનન્સ અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે આયુષ્માન કાર્ડ થકી જ સારવાર કરવી પડે છે.આ જવાબ સાંભળીને સ્થાનિકોએ પ્રશ્ન કર્યો કે શું સરકાર દવાઓ, ગોળીઓ અને હોસ્પિટલના મેન્ટેનન્સ માટે અલગથી ગ્રાન્ટ ફાળવતી નથી? આ ગંભીર મુદ્દે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે તે જરૂરી છે.હોસ્પિટલની બીજી એક મોટી સમસ્યા ડોક્ટરોની અછત છે.હોસ્પિટલની ક્ષમતા ચાર ડોક્ટરોની હોવા છતાં હાલમાં ફક્ત એક જ રેગ્યુલર ડોક્ટર કાર્યરત છે. જ્યારે અહીં દરરોજની ૧૫૦ થી ૨૦૦ ઓપીડી હોય છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારીએ તંત્રનું ધ્યાન દોર્યું છે અને જગ્યાના આધારે અન્ય ડોક્ટરોની ફાળવણી કરવા માટે તાકીદ કરી છે.આ તપાસ દરમિયાન પ્રાંત અધિકારી કાજલબેન આંબલીયા સાથે ડાંગના આંતરરાષ્ટ્રીય પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડ અને શામગહાન વિસ્તારના જાગૃત યુવા નાગરિક નીતિનભાઈ રાઉત પણ હાજર રહ્યા હતા. તેમણે પ્રાંત અધિકારીને જરૂરી માહિતી પૂરી પાડી અને સ્થાનિક લોકોને અગવડ ન પડે તે રીતે હોસ્પિટલનું કામકાજ ચાલે તેવી અપીલ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમથી સ્થાનિક લોકોમાં આશા જાગી છે કે ભવિષ્યમાં હોસ્પિટલની સુવિધાઓમાં સુધારો થશે.