“પ્રેસ સેવા પોર્ટલ”થી પ્રકાશકોને પારદર્શકતા અને સહજતા : અમદાવાદમાં ખાસ વર્કશોપનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા (PRGI) દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, ગુજરાત અને રાજ્ય માહિતી વિભાગના સહયોગથી અમદાવાદ ખાતે “પ્રેસ સેવા પોર્ટલ” અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાજ્યભરના અખબારો અને સામયિકોના પ્રકાશકો તથા માલિકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ જણાવ્યું હતું કે “સરળીકરણથી સુવિધા અને સમસ્યાનું નિરાકરણ એટલે જ પ્રેસ સેવા પોર્ટલ.” તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર ભારતના દરેક જિલ્લા, તાલુકા અને રાજ્ય સ્તરે પ્રકાશકો આ પ્રક્રિયામાં જોડાય એ જરૂરી છે, જેથી નવા પ્રકાશકોને માર્ગદર્શન મળે અને પ્રક્રિયા વધુ સરળ બની શકે. તેઓએ ખાસ અનુરોધ કર્યો હતો કે પ્રકાશકો પોતાનાં પ્રશ્નો અંગે સીધો PRGI સાથે સંપર્ક કરે અને ઉપલબ્ધ પ્રેઝન્ટેશન તથા વીડિયો ક્લિપ્સનો લાભ લે.
પીઆઇબીના અપર મહાનિદેશક પ્રશાંત પાઠરાબેએ વર્કશોપનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે મીડિયા સમાજનો આવાજ છે અને નાગરિકો સુધી જાણકારી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. PRGIનો હેતુ પ્રકાશકોને આધુનિક સાધનો દ્વારા સશક્ત કરવાનો અને નિયામક પ્રક્રિયાઓને સહજ બનાવવાાનો છે. તેમણે જિલ્લા કલેક્ટરોને ઓનલાઇન રીતે જોડાવા બદલ આભાર પણ માન્યો હતો.
માહિતી નિયામક કે.એલ. બચાણીએ વર્કશોપમાં સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પહેલ ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સમગ્ર દેશમાં “એક જ રાજ્ય માટે ડેડીકેટેડ” વર્કશોપ તરીકે આ આયોજન અનોખું છે. તેમણે જણાવ્યું હતું કે પોર્ટલ સંપૂર્ણપણે “પબ્લિશર ફ્રેન્ડલી” છે, જેમાં ટાઇટલ વેરિફિકેશન, રજિસ્ટ્રેશન, રિવિઝન જેવી પ્રક્રિયાઓ હવે કલેક્ટર કચેરી જવાના વિના જ સરળતાથી થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતને ભૂતકાળમાં પણ નાના મોટા પ્રશ્નોમાં કેન્દ્ર સરકાર તરફથી તાત્કાલિક પ્રતિસાદ મળ્યો છે, આવનારા સમયમાં પણ તે જ રીતે સુધારા શક્ય રહેશે.
PRGIના અપર મહાનિદેશક ધીરજ કાકડીયાએ પ્રેઝન્ટેશન આપીને પ્રકાશકોને પોર્ટલની કામગીરી વિશે વિગતવાર સમજ આપી હતી. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન, નામ ફેરબદલ, માલિકી હસ્તાંતરણ જેવી પ્રક્રિયાઓ ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સહાયક નિદેશક ગૌરવ શર્મા અને યુનિકોપ્સના પૂનમ શર્માએ પણ ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું.
PRP એક્ટ, 2023ના અમલ બાદ પ્રકાશકોને અગાઉ ફરજીયાત રહેલી ઘણી પૂર્વમંજુરીઓમાંથી મુક્તિ મળી છે. હવે ટાઇટલ બદલવા, ભાષા બદલવા કે પાનાંઓમાં ફેરફાર કરવા માટે અલગથી સરકારની પૂર્વમંજુરી લેવી આવશ્યક નથી. નવા નિયમો વધુ પારદર્શકતા અને પ્રકાશકોને સ્વતંત્રતા આપે છે. અખબારો તથા સામયિકો માટેની નવી વ્યાખ્યામાં તેમને “ન્યૂઝપેપર” તરીકે ઓળખવામાં આવશે અને ઓનલાઇન સિસ્ટમ દ્વારા તમામ પ્રક્રિયાઓ સરળ બની છે.
વર્કશોપનો મુખ્ય હેતુ પ્રકાશકોને નવા ઘડાયેલા કાયદા વિશે માહિતગાર કરવાનો, ઓનલાઇન રજિસ્ટ્રેશન તથા અન્ય પ્રક્રિયાઓની તાલીમ આપવાનો અને તેમને આવતી તકલીફોનું નિરાકરણ લાવવાનો હતો. આ વર્કશોપમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો ઓનલાઇન જોડાયા હતા જેથી જિલ્લામાં પ્રકાશકોને વધુ સારી રીતે માર્ગદર્શન મળી રહે.