નિસંતાન દંપતિઓ માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વિભાગ વરદાનરૂપ બન્યો છે. સંતાન ન થવાના ઘણા કારણો હોય છે પરંતુ આયુર્વેદિક સારવાર અને ઉપચારથી વંધ્યત્વની સારવાર અને સમાધાન શક્ય છે. એ પણ કોઈ પણ ખર્ચ વગર અને આડ અસરસર વગર.જૂનાગઢ શહેરમાં પંચેશ્વર રોડ પર સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે. અહી ગાયનેક વિભાગમાં દરરોજની ૬૦ થી ૭૦ ઓપીડી હોય છે. જેમાંથી ૪૦ જેટલા દર્દીઓ વંધ્યત્વના હોય છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગમાં ડો. ચેતના કોડીનારિયા ઉપરાંત અન્ય સ્ટાફમાં ડો. કૃપા પટેલ,ડો. રીંકલ સુરાણી ફરજ બજાવી રહ્યા છે આયુર્વેદ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં છેલ્લા દસ વર્ષ થી ડેપ્યુટેડ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ચેતનાબેન કોડીનારિયાએ જણાવ્યું હતું કે, અહીં, મુખ્યત્વે સ્ત્રી રોગોને લગતી તકલીફો – સારવાર માટે દર્દીઓ આવે છે. સ્ત્રીઓને લગતી મુખ્યત્વે તકલીફોમાં માસિક ઓછું કે વધારે આવવું, માસિક વખતે દુખાવો થવો, યોનીને લગતા રોગો, ગર્ભાશયના મુખ પર ચાંદો હોવું વગેરે જેવી તકલીફો હોય છે. ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ માટે કોઈ ને કોઈ તકલીફ હોય એવા દંપતિઓ સારવાર માટે આવે છે. સૌ પ્રથમ તેમના રિપોર્ટ્સ જોવામાં આવે છે. ત્યાર પછી પંચકર્મ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીઓએ અનેક જગ્યાએથી દવા, ઉપચાર, સારવાર લીધી હોય છે. તેથી અહીં આવતા દર્દીઓને સૌપ્રથમ તેનું શરીર શુદ્ધીકરણ માટે પંચકર્મ કરવામાં આવે છે. ત્યાર પછી જે પણ શરીરમાં તકલીફ હોય તે માટેની સારવાર કરવામાં આવે છે. આ સારવાર ત્રણથી ચાર મહિના સુધી ચાલે છે. ત્યાર પછી ફરી રિપોર્ટ્સ કરવામાં આવે છે જે બરાબર હોય તો દંપતીને ગર્ભધારણ કરવા માટેના પ્રયાસો કરવાની સલાહ આપવામાં આવે છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વંધ્યત્વને લગતી સમસ્યામાં સ્ત્રી અને પુરુષ બંનેની અહી સારવાર કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા એવા દંપતિઓ જેમણે ચારથી પાંચ વખત આઈવીએફ કરાવ્યું હોય અને તેમાં સફળતા ન મળી હોય. તેમણે પણ આયુર્વેદની પંચકર્મ સારવારથી ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. આ દરેક સારવાર દરમિયાન અહીં રહેવું, જમવું, અને દવા બધું સરકાર દ્વારા ખર્ચ ભોગવવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે, વંધ્યતવનુ મુખ્ય કારણ આજે મોટી ઉંમરે લગ્ન થવા અને આજની દિનચર્યા, આહાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ સારવારની સરખામણીએ આઈવીએફ જેવી પદ્ધતિથી સંતાન પ્રાપ્તિની પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે. આઈવીએફમાં પાંચથી છ લાખનો ખર્ચ થાય છે. આ ઉપરાંત આઈવીએફ બાદ લાંબા ગાળે હોર્મોન્સને નુકસાન, માસિક ને લગતી તકલીફો, જેવી અનેક આડ અસરો થાય છે. જ્યારે આયુર્વેદ સારવારમાં કોઈ પણ આડઅસર થતી નથી અને કોઈ પણ ખર્ચ થતો નથી.તાજેતરમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન ડો. ચેતનાબેન કોડીનારીયાને આયુર્વેદ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. મારો માતા બનવાનો શ્રેય આયુર્વેદ સારવાર અને ડો. ચેતનાબેન કોડીનારીયા ને આભારી છે – જયશ્રીબેન કારીયા,જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા જયશ્રીબેન કારીયા કહે છે, મને થાઇરોડ તેમજ અન્ય પણ ઘણી તકલીફો હતી. ઘણો લાંબો સમય અમે એલોપેથી દવાઓ લીધી હતી પરંતુ તેમાં કોઈ પરિણામ ન મળ્યું. એ સમયે મારા બહેને મને આયુર્વેદિક સારવાર તરફ વળવાનું કીધું.ત્યાર પછી મેં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ડો. ચેતનાબેન કોડીનારીયાની મુલાકાત કરી. અહીં હોસ્પિટલમાં સાત મહિના જેટલો સમય સારવાર ચાલી હતી ત્યાર પછી મને ગર્ભ રહ્યો હતો.જયશ્રીબેન એ વધુમાં જણાવ્યું હતું કે, આજે મારો માતા બનવાનો સંપૂર્ણ શ્રેય આયુર્વેદ સારવાર અને ડો. ચેતનાબેન કોડીનારિયાના માર્ગદર્શન અને સહયોગ ને આભારી છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ