નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે “મોન્સૂન ફેસ્ટિવલ-2025″નો રંગારંગ પ્રારંભ
ગુજરાતના જાણીતા કલાકાર ઓસ્માન મીર અને તેમના પુત્ર આમિર મીરની સુરીલી જોડીએ ભજન, ગઝલ, ગુજરાતી તથા હિન્દી ફિલ્મગીતો, ગરબાના સૂરોથી સૌને મંત્રમુગ્ધ કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર સાહેબના સાનિધ્યમાં “મોન્સૂન ફેસ્ટિવલ 2025– વ્હાલ વાદળ અને વરસાદનો ઉત્સવ”નો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ ફેસ્ટિવલ તારીખ 17મી સપ્ટેમ્બર સુધી ઉજવાશે.
ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને ઉપસ્થિત મહાનુભાવોએ સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. પરેડમાં આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્યો અને પરંપરાગત વાદ્યો – કલાઓ સાથે એકતાનગરની શેરીઓ ઉત્સવમય બની હતી.
એકતા ઓડિટોરીયમ ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઓસ્માન મીર તથા તેમના પુત્ર આમિર મીરની સુરીલી જોડીએ ભજન, ગઝલ, ગુજરાતી તથા હિન્દી ફિલ્મગીતો અને ગરબાના સૂરોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે સંગીત સંધ્યાની શરૂઆત “નગર મેં જોગી આયા” જેવા ભજનથી થતાં આખું ઓડિટોરીયમ જાણે શિવજીની ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
આ અવસરે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં પ્રથમવાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું છે, જે આદિવાસી સમાજ માટે રોજગારી અને આર્થિક ઉપાર્જનનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે. સમગ્ર ફેસ્ટિવલ દરમ્યાન અહીં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિક આદિવાસી લોકોએ તૈયાર કરેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્થાનિક પરંપરાને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે.
‘સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેક્નોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ’ – આવા અનોખા સંદેશા સાથે શરૂ થયેલા આ ઉત્સવમાં આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાના પ્રદર્શન, વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ અને ઓર્કેસ્ટ્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.