અંકલેશ્વરની પાનોલી GIDCમાં ભીષણ આગ, સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી આગ, લોકોમાં ભયનો માહોલ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૬થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે. આ કંપનીની નજીક આવેલું સંજાલી ગામ આગના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ધુમાડાના ગોટેગોટા અને કેમિકલ ગંધને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે, સ્થાનિક લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી.
આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલો નથી, પરંતુ કંપનીને મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરીમાં જોડાયું હતું. તેમણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા. કલાકોની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો અને કુલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના પરથી ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઊભો થયો છે. તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પગલાં લેવામાં આવશે. ગતરોજ પણ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઈટરોની ટીમે ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ, બે દિવસમાં આગના બે મોટા બનાવો બનતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સુરક્ષાના પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.