ભરૂચ: હથિયાર સાથે આરોપી ઝડપાયો, ઉત્તરપ્રદેશના નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપૂતની ધરપકડ કરાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ એક આરોપીને ગેરકાયદેસર પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOG ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ ચૌધરી અને એ.એચ છૈયાએ પોતાની ટીમને ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોને પકડી પાડવા સૂચના આપી હતી. આ દરમિયાન SOG ટીમને બાતમી મળી હતી કે, જીતાલી ગામથી સેંગપુર તરફ જતા તળાવ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપૂત નામના 45 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કોઈ આધાર-પુરાવા કે પરવાના વગરની એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી, જેની કિંમત 10,000 છે. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનો રહેવાસી છે. અને હાલ અંકલેશ્વરની મીરાં નગર દુર્ગામંદિર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે. આરોપી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.