અંકલેશ્વર: આખલાના કારણે વિચિત્ર અકસ્માત, માંડવા પાસે ત્રણ વાહનો અથડાયા, ચાર ઘાયલ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના માંડવા ગામ પાસે આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં રસ્તા વચ્ચે અચાનક આવી ગયેલા આખલાને બચાવવા જતાં ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના અંકલેશ્વર-માંડવા હાઈવે પર આવેલી વિકાસ અને આરામ હોટલની વચ્ચે બની હતી. એક પીકઅપ ગાડી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક એક આખલો રસ્તાની વચ્ચે આવી ગયો. આખલાને બચાવવા માટે પીકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો, જેના કારણે તેની ગાડી સામેથી આવી રહેલા આઈસર ટેમ્પો અને એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ ગાડી અને આઈસર ટેમ્પો રોડ પર પલટી મારી ગયા હતા. જ્યારે ટ્રક રોડ સાઈડના ડિવાઈડર સાથે અથડાઈને અટકી ગઈ. આ અકસ્માતમાં પીકઅપ અને ટેમ્પોના ચાલકો સહિત કુલ ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI ની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમણે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતોની ગંભીરતાને ઉજાગર કરી છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી રહી છે.