વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સામાજિક-શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આવનારા જન્મદિન (17 સપ્ટેમ્બર) નિમિત્તે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ વિવિધ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત જિલ્લાના 7,500 શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ 7,500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે આ અભિયાન ભવિષ્યની પેઢી માટે હરિયાળો વારસો છોડી જવાનો પ્રયાસ ગણાશે.
શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના પૌષ્ટિક આહાર પર ખાસ ભાર મુકાયો છે. આ અવસરે આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાના બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવશે જેથી બાળકના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો થાય. સાથે સાથે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે જેથી યોજનાઓનો લાભ સીધો જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે.
તાજતરમાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક પામેલા શિક્ષકો સાથે પણ ખાસ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમમાં તેમને કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓમાં ગુણાત્મક વિકાસ કેવી રીતે લાવવો તેની પ્રેરણા આપવામાં આવશે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધિકારીઓના જણાવ્યા મુજબ, વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાતા આ કાર્યક્રમો શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો અને મૂલ્યોના સંસ્કારનો આરંભ સાબિત થશે. પર્યાવરણ જાગૃતિ, પોષણ, શિક્ષણની ગુણવત્તા અને કર્તવ્યનિષ્ઠા જેવા ચાર આધારસ્તંભો પર આ આયોજન રચાયું છે.
સ્થાનિક સ્તરે શાળાઓમાં પણ આ અભિયાન અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવવા અંગે શપથવિધિ યોજાશે. આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનને “સેવા અને સંકલ્પ”ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ વ્યક્ત કર્યો છે.