વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં બંધારણીય હક્ક,અધિકારોનું રક્ષણ કરવા અને અમલીકણ કરવા તથા આદિવાસીઓનું શોષણ થતુ અટકાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત આદિવાસી સમાજ દ્વારા સુબીર મામલતદાર મારફતે રાષ્ટ્રપતિ,રાજ્યપાલ,આદિજાતિ સલાહકાર પરિષદ ગુજરાત રાજ્ય,અનુસૂચિત જનજાતિ આયોગ – નવી દિલ્હી ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, 13 સપ્ટેમ્બર 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આદિવાસીઓના અધિકારો માટેના ઘોષણાપત્રને સ્વીકારવામાં આવ્યું હતુ.સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે ભારતે પણ આ ઘોષણાપત્રનો સ્વીકાર કર્યો હતો.ભારત દેશના બંધારણમાં પણ આદિવાસીઓ માટે વિશેષ અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે.પરંતુ આ જોગવાઈઓનો આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી. આઝાદી પછી જેટલી પણ સરકારો આવી એ તમામ સરકારોએ આદિવાસીઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવ્યું છે જેના કારણે બંધારણીય સંરક્ષણ હોવા છતાં આજે આદિવાસી સમાજ સતત વિસ્થાપન, શોષણનો ભોગ બની રહ્યો છે.આદિવાસીઓની સંસ્કૃતિ રીતરિવાજ, જીવનશૈલી, જળ જંગલ જમીન, એમના અસ્તિત્વના સંરક્ષણ માટે બંધારણમાં અનુસૂચિ પાંચ અને છ ની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત અનુસૂચિ પાંચ વિસ્તારમાં આદિજાતિ સલાહકાર પરિષદ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી ઉપર જણાવેલ તમામ પોતાની બંધારણીય જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.વર્તમાન સમયમાં આદિવાસી સમાજ પોતાના બંધારણીય હક અધિકારો પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે.ત્યારે આપ તમામ પણ પોતાની બંધારણીય જવાબદારીઓ પ્રત્યે જાગૃત થાવ અને આદિવાસીઓના બંધારણીય હક અધિકારોનું રક્ષણ કરો અને અમલીકરણ કરશો. આદિવાસી સમાજના હિત માટે કેટલાક મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે.જેમાં શિક્ષણ એ દરેક વ્યક્તિ, સમાજ, રાજ્ય, દેશ અને વિશ્વના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં જે રીતે શિક્ષણની પરિસ્થિતિ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે સરકારને આદિવાસી સમાજના બાળકોને ભણાવવામાં રસ નથી કારણ કે સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે, આશ્રમશાળાઓને ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી, કુમાર છાત્રાલયો અને કન્યા છાત્રાલયો બંધ કરવામાં આવી રહ્યા છે. જેથી શિક્ષણ પર ધ્યાન આપવામાં આવે જરૂરી છે.તેમજ આદિવાસી વિસ્તારમાં તમામ મોટા ડેમો બન્યા છે ઉકાઈ ડેમ,નર્મદા ડેમ, કડાણા ડેમ તથા અન્ય. પરંતુ આ ડેમો નો ફાયદો આદિવાસીઓને નથી મળ્યો.આ ડેમો માટે આદિવાસી સમાજના લોકોએ લાખો હેકટર જમીન ગુમાવી છે પરંતુ એ એમને સિંચાઈ માટે એક ટીપું પાણી આ ડેમોમાંથી નથી મળી. તો આ અંગે પણ પૂરતું ધ્યાન આપવા આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.આદિવાસી વિસ્તારમાં અત્યાધુનિક હોસ્પિટલો નથી અને જે હોસ્પિટલો છે એનું પણ સરકાર ખાનગીકરણ કરી રહી છે. હોસ્પિટલમાં સ્ટાફની અછત છે સાથે સાથે સાધનોની પણ અછત છે જેના કારણે જે દર્દીએ અન્ય શહેરોની સરકારી હોસ્પિટલોમાં જવું પડે છે કાં તો પછી ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. જેથી આ સુવિધાઓને લઈને ધ્યાન આપવામાં આવે તથા ગુજરાતના અનુસૂચિ પાંચ વિસ્તારમાં જેટલી પણ સહકારી સંસ્થાઓ આવેલી છે.જેમ કે સુગર મિલો હોય દૂધ મંડળી હોય કે અન્ય સંસ્થાઓ એ તમામ સંસ્થાઓમાં મોટાભાગે જે સભાસદો છે તે આદિવાસીઓ છે.પરંતુ આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના ડિરેક્ટરો અને જે ચેરમેનો છે તો તેઓ બીન-આદિવાસી છે તો એ સહકારી મંડળીઓના ચેરમેન અને ડિરેક્ટરો પણ આદિવાસી હોવા જોઈએ.આદિવાસીઓ માટે જે બજેટ છે એની જનરલ બજેટથી અલગ જાહેરાત થવી જોઈએ. કારણ કે આદિવાસીઓના વિકાસ માટે જે બજેટ ફાળવવામાં એને જનરલ બજેટ સાથે વાપરી નાખવામાં આવે છે.જેના કારણે એ બજેટનો ફાયદો આદિવાસીઓને મળતો નથી.માટે આદિવાસીઓ માટે જે બજેટ છે એની અલગ જાહેરાત થવી જોઈએ. હાલમાં મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડને નોન-NFS કરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે જે સમાજના ગરીબ લોકોને પોતાના અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર છે. વર્તમાનની પરિસ્થિતિ પ્રમાણે જે 7/12 ની નકલ હોય છે એમાં તમામ જમીનધારકોના નામ હોય છે.જેની વારસાઈ પણ કરવાની બાકી હોય છે જેના આધારે મામલતદાર કચેરી દ્વારા નોંધ માટેની નોટિસ મોકલવામાં આવી રહી છે જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે વગેરે અનેક મુદ્દાઓને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ..