ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી હોય છે. : મીઠાઈ અને ફરસાણ એસોસિએશન
ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્પલ સર્વે કરાયો હતો.
સુરતમાંથી 315 કિગ્રા નકલી પનીરનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ વેપારી છેલ્લા ચાર મહિનાથી નકલી પનીરનો વ્યાપાર કરતો હતો. એટલે કે અત્યાર સુધીમાં તે હજારો કિલો પનીર વેચી ચુક્યો હતો. આ નકલી પનીર સમગ્ર રાજ્યનાં લાખો લોકોએ ખાધુ હશે. નિષ્ણાંતોના મતે નકલી પનીર ખાવાથી કેન્સરથી માંડીને અનેકાનેક કેસ થઇ શકે છે.
ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ હાલમાં જ એક ખુબ જ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી હોય છે. ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્પલ સર્વે કરાયો હતો. સેમ્પલ સર્વેમાં જુદી જુદી હોટલોમાંથી લેવામાં આવેલાં 35 ટકાથી વધુ પનીરના સેમ્પલ ફેલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેળવાળું પનીર હોવાનું ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓર્થોરિટીના સૂત્રો દ્વારા જણાવાયું છે.
જેથી 300માંથી 100 જેટલી હોટલમાં નકલી અથવા ભેળસેળવાળું પનીર લોકોને પીરસવામાં આવ્યું હતું. જેના લીધે લોકો ગંભીર બીમારીનો ભોગ બની શકે છે.જેમાં કેન્સરથી માંડીને અનેક પ્રકારના રોગોનો સમાવેશ થાય છે. પનીરના સેમ્પલ સર્વેમાં ફેઈલ થયેલાં 100થી વધુ સેમ્પલમાં પામ ઓઈલ, સોયા ઓઈલ, એસિડિકની ભેળસેળ કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થઇ ચુક્યો છે. જે તગડો નફો કમાવવા લોકોને મોતનાં મુખમાં ધકેલતા પણ આ વેપારીઓ સ્હેજ પણ વિચારતા નથી. સામાન્ય રીતે પનીરને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ પનીર જેમાં 50 ટકાથી વધુ મિલ્ક ફેટ હોય છે. જ્યારે મીડિયમ ફેટ પનીર જેમાં 20થી 50 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે. જ્યારે લૉ ફેટ પનીરમાં 20 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે.
દરમિયાન સ્ટાન્ડર્ડ પનીર લોકોને ભોજન તરીકે પીરસી શકાય છે. પરંતુ નકલી કે ભેળસેળવાળુ પનીર બનાવવા માટે 10થી 15 ટકા મિલ્ક ફેટવાળા પનીરને સ્ટાન્ડર્ડ પનીર બનાવવા તેમાં પામ ઓઇલ કે સોયા ઓઈલ અને એસિડિક એસિડ ભેળવાય છે. જે ખાવાથી લોકો જાત-જાતની ગંભીર બીમારીનો ભોગ બને છે. અને તેનાં કારણે કેન્સરથી માંડીને અનેક સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
ભેળસેળ યુક્ત પનીર ખાય તો તેને ટૂંકાગાળા માટે અપચો, વોમિટિંગ, ડાયેરિયા, માથાનો દુ:ખાવો, ગેસ્ટરાઈટીસ અને એલજી જેવી તકલીફો થઇ શકે છે. જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવામાં આવે તો પેટનું અલ્સર, પેટનું કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી બીમારી થઇ શકે છે. જેથી હૃદય અને મગજની ધમનીઓ બ્લોકેજ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત કિડની, લીવર અને ડાયાબિટીસની પણ તકલીફ થઈ શકે છે.