KUTCHMUNDRA

કચ્છમાં ૯૯૨ શિક્ષકોની ખાસ ભરતી: તાલુકાવાર જગ્યાઓ જાહેર – સ્પેશિયલ ટેટ ૧/૨ની પરીક્ષા ૧૨ ઓક્ટોબરના – ટેટ ૧ માટે સમય વધારીને બે કલાકનો કરાયો 

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

કચ્છમાં ૯૯૨ શિક્ષકોની ખાસ ભરતી: તાલુકાવાર જગ્યાઓ જાહેર – સ્પેશિયલ ટેટ ૧/૨ની પરીક્ષા ૧૨ ઓક્ટોબરના – ટેટ ૧ માટે સમય વધારીને બે કલાકનો કરાયો 

 

મુંદરા, તા.16 : કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ થઈ છે. ૨૫૦૦ જગ્યાઓની વિશેષ ભરતી પ્રક્રિયા હેઠળ પસંદગી પામેલા ૧૦૧૨ ઉમેદવારોમાંથી ૯૯૨ ઉમેદવારો માટે સ્થળ પસંદગી પ્રક્રિયા આજથી (મંગળવાર) શરૂ થઈ રહી છે. આ શિક્ષકોની ભરતી માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાલુકાવાર જગ્યાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જો કે ૨૦ શાળાઓની જગ્યાઓ ઓછી બતાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણો સ્પષ્ટ થયા નથી.

 

તાલુકાવાર જગ્યાઓ અને વિવાદ :

 

જાહેર કરાયેલી યાદી મુજબ સૌથી વધુ ૧૯૦ જગ્યાઓ ભુજ તાલુકામાં છે. આ ઉપરાંત રાપરમાં ૧૫૪, અબડાસામાં ૧૨૪, ભચાઉમાં ૧૦૬, નખત્રાણામાં ૧૦૫, માંડવીમાં ૮૮, લખપતમાં ૮૪, અંજારમાં ૬૮, મુંદરામાં ૫૪ અને સૌથી ઓછી ૧૯ જગ્યાઓ ગાંધીધામ તાલુકામાં ફાળવવામાં આવી છે.

મુંદરા તાલુકામાં શિક્ષણ માટે ચાલી રહેલા આંદોલનો છતાં માત્ર ૫૪ જગ્યાઓ ફાળવવામાં આવતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો વિવાદ એ છે કે અનેક શૂન્ય શિક્ષકવાળી શાળાઓની જગ્યાઓ યાદીમાં દર્શાવવામાં આવી નથી. જેના કારણે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જિલ્લાફેર બદલીની રાહ જોઈ રહેલા લગભગ ૮૦૦ શિક્ષકોને છૂટા કરવા માટે આ ગોઠવણ કરવામાં આવી છે. આના માટે જિલ્લાકક્ષાએથી ઉઘરાણા કરાયાના સમાચાર પણ વહેતા થયા હતા. જવાબદાર અધિકારીઓ દ્વારા આ ભરતી પ્રક્રિયા બાદ આવા શિક્ષકોને છૂટા કરવાની વાતથી આ શંકા વધુ મજબૂત બની છે. જો આ શિક્ષકોને છૂટા કરવામાં આવશે તો જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ફરી ઊભો થશે અને આંદોલનો થવાની શક્યતા છે.

 

શાળા પસંદગી અને નિમણૂકપત્રની તારીખો :

 

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે અને આવતીકાલે (મંગળવાર અને બુધવાર) ભુજની લાલન કોલેજ ખાતે મેરિટના આધારે સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ, તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવશે. આમાંથી મૂળ કચ્છના કેટલા ઉમેદવારો પસંદગી પામ્યા છે તેના આંકડા જાહેર કરવામાં આવે એવું કચ્છવાસીઓ ઈચ્છી રહ્યા છે.

 

ટેટ ૧ અને ૨ ની પરીક્ષાની તારીખ જાહેર :

 

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી કોર્ટ મેટરને કારણે અટકી પડી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ગુજરાતના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાશે.

 

ટેટ-૧ પરીક્ષાના નિયમોમાં ફેરફાર :

 

ટેટ-૧ પરીક્ષામાં ઉમેદવારોને પૂરતો સમય ન મળવાની રજૂઆતોને ધ્યાનમાં રાખીને એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ૧૫૦ પ્રશ્નો માટે ૯૦ મિનિટનો સમય અપાતો હતો, જેના પરિણામે પરિણામ ૧૦% થી પણ ઓછું આવતું હતું. હવે શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ, ટેટ-૧ની પરીક્ષા માટે ૯૦ મિનિટને બદલે ૧૨૦ મિનિટનો સમય અપાશે. આ નિર્ણયથી ઉમેદવારોને ઘણો ફાયદો થશે તેવી અપેક્ષા છે.

 

ખાસ_ભરતી_કચ્છ_ખાલી_જગ્યા_ધોરણ_૧_થી_૫_કુલ_૧૦૧૨

 

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!