વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૬ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લાને સુપોષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા એક નવી મોનિટરિંગ સિસ્ટમ ‘સુપોષિત કચ્છ’ અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ માતા, બાળકો અને કિશોરીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભો નિયમિતપણે અને યોગ્ય ગુણવત્તા સાથે છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરવાનો છે.
પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત -કચ્છ, જે ક્ષેત્રફળની દ્વષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે તેની વિશાળ ભૌગોલિક વિવિધતાને કારણે કુલ ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રોનું અસરકારક મોનિટરિંગ કરવું એક પડકારરૂપ કાર્ય છે અને દુર્ગમ વિસ્તારોમાં વાહન વ્યવસ્થાના અભાવ જેવા પડકારને પહોંચી વળવા અને યોજનાઓના લાભો તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે ભૌતિક નિરીક્ષણ સાથે ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે
મોનિટરિંગ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ – આ નવી સિસ્ટમ હેઠળ, જિલ્લા અને તાલુકા કક્ષાએ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે. આ સેલની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.ટેક્નોલોજીનો ઉપયોગ-વોટસએપ, વીડિયોકોલ અને લાઈવ લોકેશન શેરિંગ જેવા માધ્યમો દ્વારા ઓછા સમયમાં વધુ આંગણવાડી કેન્દ્રોનું મોનિટરિંગ કરવામાં આવશે.દૈનિક અને સાપ્તાહિક અહેવાલ-મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો દ્વારા દૈનિક પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ (તારીખ, ટાઈમ સ્ટેમ્પ અને લોકેશન સાથે) નિયત વોટસએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. આ માહિતીના આધારે, તાલુકા અને જિલ્લાકક્ષાએ અહેવાલો તૈયાર કરવામાં આવશે.વીડિયોકોલ દ્વારા નિરીક્ષણ-જિલ્લા કક્ષાએથી મુખ્ય સેવિકાને અને તાલુકા કક્ષાએથી આંગણવાડી કાર્યકરોને વીડિયોકોલ કરીને તેમની કામગીરી, કેન્દ્રમાં ચાલતી પ્રવૃત્તિઓ અને ભૌતિક સુવિધાઓની માહિતી મેળવવામાં આવશે.લાભાર્થીઓ સાથે સંવાદ-દર મંગળવાર અને બુધવારે તાલુકા કક્ષાની ટીમ દ્વારા રેન્ડમલી પસંદ થયેલા લાભાર્થીઓને કોલ કરીને તેમને મળતી સેવાઓ અંગે અભિપ્રાય લેવામાં આવશે.દેખરેખ અને મૂલ્યાંકન- માસના અંતે તૈયાર થયેલા પ્રગતિ અહેવાલ પર પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં ઓનલાઈન મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે. આ મોનિટરિંગ સિસ્ટમનો અમલ કરવાથી આઈસીડીએસ યોજનાઓનું સુપરવિઝન અને મોનિટરિંગ વધુ મજબૂત બનશે અને યોજનાઓનું અમલીકરણ વધુ સુદ્રઢ બનશે.આ નવીન ડિજિટલ પ્લેટફોર્મ અને અભિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.