KUTCHMUNDRA

નવરાત્રી પદયાત્રા દરમિયાન મથલ ડેમ પર સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

નવરાત્રી પદયાત્રા દરમિયાન મથલ ડેમ પર સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ

મુંદરા, તા. 16 : નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામના જગદીશ દવેએ આવનાર નવરાત્રીના પાવન પર્વ દરમિયાન પદયાત્રીઓની સુરક્ષા માટે તંત્રને તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના મઢના દર્શનાર્થે પગપાળા યાત્રા કરે છે, જેમાં મથલ ગામથી મથલ ડેમ તરફનો માર્ગ ખાસ ભીડભાડવાળો રહે છે.

શ્રી દવે જણાવ્યું કે, હાલ પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે છતાં મથલ ગામથી ડેમ સુધી સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત જોવા મળતો નથી. ભૂતકાળમાં પદયાત્રીઓ થાક ઉતારવા અને ગરમીથી રાહત મેળવવા ડેમમાં નાહવા જતા હોવાથી ડૂબી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે.

તેમણે તંત્રને નીચેના મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરી છે:

માર્ગ પર પોલીસ બંદોબસ્ત: પદયાત્રીઓની સુરક્ષા માટે મથલ ગામથી મથલ ડેમ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવો.

ચેતવણી બોર્ડ અને બાઉન્ડ્રી: ડેમ પર “પાણીમાં જવાની મનાઈ છે” તેવા ચેતવણી બોર્ડ મૂકવા તથા ડેમની આસપાસ સુરક્ષા કવચ (બાઉન્ડ્રી) ઉભી કરવી.

જીવનરક્ષક દળ: ડેમ પર લાઈફગાર્ડ અને બચાવ સાધનો સાથેની ટીમ તૈનાત કરવી.

શ્રી દવેએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર આ ગંભીર બાબતને તાત્કાલિક પ્રાથમિકતા આપશે, જેથી પદયાત્રીઓની યાત્રા નિરાંતે અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય.

 

 

  • (વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!