રીપોર્ટ: બિમલ માંકડ | પ્રતીક જોશી
અંજાર : ભીમાસરમા રહેતા પરપ્રાંતીય યુવક અરુણકુમાર શાહુ (ઉ.32) ની ગળું કાપીને કરાયેલી હત્યાનો ભેદ અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી હત્યામાં સામેલ અરુણની પત્ની, પ્રેમી સહિત ત્રણ ઇસમોને પકડી પાડેલ હતા.
પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જે હોટેલમાં અરુણ કામ કરતો હતો તેના માલિક હરાધન ગરાઈ (ઉ.વ.૩૩, રહે.બાકુરા, પ.બંગાળ) સાથે તેની પત્ની રેખા સાથે પ્રેમ સંબંધ હતો. જે વાતની જાણ અરુણને થઇ જતા રેખાએ જ તેના પતિનો કાંટો કાઢી નાખવા પ્રેમી હરાધનને કહેલ.
હરાધને તેના મિત્ર આનંદ દામજી બારોટ (રહે.સણવા, તા. રાપર હાલે ભીમાસર જૂના ગામ) ને લાખો રૂપિયા આપી બદલામાં અરુણની હત્યા કરવાની સોપારી આપેલ. જેથી આનંદે તેના મિત્રો ગોપાલ રામજી બારોટ (રહે.સણવા, તા.રાપર હાલે ભીમાસર જૂના ગામ) અને દિલીપ નાથાભાઈ ભટ્ટી (રહે.મોડા ગામ તા.રાપર હાલે ભીમાસર) ને અરુણની હત્યા કરવા કહેલું.
આનંદના કહેવાથી ગોપાલ અને દિલીપે કાવતરું રચી અરુણનો ગળો વેતરી હત્યા કરેલ હતી. જો કે અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી અરુણની હત્યામાં સંડોવાયેલ તેની પત્ની અને પ્રેમી સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.