રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર જૈન મુનિના શુભાશીર્વાદ: મુંદરાના શિશુ મંદિરમાં વિશેષ કાર્યક્રમ
મુંદરા,તા.17 : આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મુંદરાના બારોઈ રોડ પર આવેલ શિશુ મંદિર વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી તીર્થહીરવિજયજી મહારાજ સાહેબે વડાપ્રધાનને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પ્રસંગે મુનિરાજ શ્રી તીર્થહીરવિજયજીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભગવાન મહાવીર સ્વામીની જેમ હૃદયમાંથી શત્રુતાનો નાશ કરી મિત્રતાને સ્થાપનારા બને, ભગવાન શ્રીરામની જેમ દરેકના હૃદયમાં સ્થાન મેળવે અને ભગવાન શ્રીકૃષ્ણની જેમ દરેક પશુ-પ્રાણી પ્રત્યે પ્રેમ ધારણ કરનારા બને.” તેમણે વડાપ્રધાનના દીર્ઘાયુ અને ધર્મમય, ન્યાય-નીતિપૂર્વક જીવનની શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સમસ્ત જૈન સમાજ, શિશુ મંદિર વિદ્યાલય પરિવાર અને સમસ્ત આર.એસ.એસ. પરિવાર વતી વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન, રીતેશભાઈ પરીખ, ચિરાગ મહેતા અને ચેતનભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી પ્રકાશભાઈ પાટીદારે જણાવ્યું કે, “સંભવતઃ ભારતના વડાપ્રધાન મોદીજીને જૈન મુનિ દ્વારા શુભેચ્છા આપતો કદાચ આ પ્રથમ કાર્યક્રમ મુંદરામાં યોજાયો હશે.”
વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, મહારાજ સાહેબે આશરે 300 વિદ્યાર્થીઓને 750 નવકાર મંત્રનો જાપ અર્પણ કર્યો હતો. આ માહિતી તપગરછ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવી હતી.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)