વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
દેશભરમાં વર્ષ ૨૦૧૮ થી શરૂ થયેલ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ૮ માં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ ની ઉજવણી દરમિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ આંગણવાડીની મહિલાઓ દ્વારા આયોજિત રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આહવા ખાતે આયોજીત આ રેલીમાં ‘ચા ના બદલે THR ની રાબ તો બદલી જશે રુઆબ’, ‘પૌષ્ટિક આહાર ખાઓ શરીરને સ્વસ્થ બનાવો’, ‘લીલી ભાજી આંખો રાખે તાજી’, ‘પૌષ્ટિક આહાર પાયાનો આધાર’, ‘જે ખાય ચણા તે જીવે ગણા’, ‘સ્વસ્થ ખાવો તનમન જગાવો’ વિગેરે નારા તેમજ પોસ્ટરો સાથે મહિલાઓએ કુપોષણ દુર કરવા અંગેનો સંદેશો ગુંજતો કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, મહિલા અને બાળ વિભાગના ચેરમેન સારુબેન વળવી,આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, સહિત જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિત, પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. મનીષા મુલતાની, આહવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી આર. બી. ચૌધરી સહિત મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી.