વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ આયોજિત કરવામાં આવ્યું. આ ભવ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે મોદીજીના ‘સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માત્ર રક્તદાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે રક્તદાન જીવન બચાવવાની સાથે સાથે સમાજને મજબૂત બનાવે છે અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તેમણે કહ્યું કે ભૂતકાળમાં મોટા નેતાઓના જન્મદિવસ કેક કાપીને કે હાર પહેરાવીને ઉજવાતા આવ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આ પ્રથા બદલાઈ છે. હવે તેમનો જન્મદિવસ લાખો લોકો માટે ખુશી, પ્રેરણા અને સમાજસેવાના નવા સંકલ્પનો દિવસ બની ગયો છે.
ગૃહરાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન માટે કોઈ સમાજ અથવા સંસ્થા દ્વારા આટલા વિશાળ સ્તરે રક્તદાન શિબિરનું આયોજન કરવું એ સહારાનિય કાર્ય છે. તેમણે આ ઉમદા પહેલને સફળ બનાવવા માટે આગળ આવનાર તમામ આયોજકો, કાર્યકર્તાઓ અને હજારો રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લઈ રક્તદાતાઓ સાથે સંવાદ પણ કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત 75 દેશોમાં 7,500થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 3 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. આ અભિયાનને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજસેવાના નવા ઉદાહરણો સર્જાઈ રહ્યા છે.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ અનેક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્ટેડિયમ રક્તદાતાઓના ઉમળકાથી પ્રેરિત એક અનોખી માનવ સેવા યાત્રાનું સાક્ષી બન્યું.