MORBI “મોરબી ખાતે નિર્માણ પામેલ ૧૦ લાખ વૃક્ષોનું વન કવચ એ વડાપ્રધાનના જન્મદિવસની સૌથી મોટી ભેટ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે મોરબીમાં ટૂંકા ગાળામાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ ભારતના વિશાળ વન કવચ -“નમો વન”નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું
“મોરબી ખાતે નિર્માણ પામેલ ૧૦ લાખ વૃક્ષોનું વન કવચ એ વડાપ્રધાનના જન્મદિવસની સૌથી મોટી ભેટ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
“ગ્રીન કવચ વધારવા ગુજરાત અગ્રેસર: ગુજરાત રાજ્યમાં ૩૦૦ હેકટર જમીનમાં ૨૦૭ વન કવચ ઉપરાંત ૭૫ વડ વૃક્ષોનું એક એવા ૮૨ વડ વન તૈયાર કરાયા છે”
“આવતી કાલ માટે પાણીનું આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકારે “કેચ ધ રેઈન-૨.૦” યોજના અમલી બનાવી છે”
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા “સેવા પખવાડિયા” નો લાભ લેવા અને સ્વદેશી અપનાવવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
“મોરબી ઔદ્યોગિક નગરી સાથે વૃક્ષ નગરી બને, જેથી પર્યાવરણની જાળવણી થશે” – વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા
અલગ-અલગ ૧૫૦ થી વધુ વૃક્ષોની જાતિ ધરાવતું આ “નમો વન” વૈશ્વિક કક્ષાએ ઈકો ટુરીઝમનું કેન્દ્ર બનશે
શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા તથા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્મિત ભારતના વિશાળ દસ લાખ વૃક્ષોના વનકવચનું ગુજરાત સરકારના જીવદયાપ્રેમી અને પર્યાવરણપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે મોરબી ખાતે લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ૪૦ હેક્ટર વિસ્તારમાં નવનિર્મિત વનકવચની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યુ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોરબી ખાતે નિર્માણ પામેલ ૧૦ લાખ વૃક્ષોનું વન કવચ એ વડાપ્રધાનશ્રીની જન્મદિવસની સૌથી મોટી ભેટ છે. રાષ્ટ્રના વિકાસ સાથે પર્યાવરણનું જતન કરવાની વડાપ્રધાનશ્રીની નેમને રાજ્ય સરકાર સુપેરે સાકાર કરી રહી છે, ત્યારે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આવતી કાલ માટે પાણીનું આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકારે “કેચ ધ રેઈન-૨.૦” યોજના અમલી બનાવી છે, અને આ માટે રાજ્યના પ્રત્યેક ધારાસભ્યને વધારાના રૂપિયા ૫૦ લાખની ફાળવણી પણ કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પર્યાવરણના જતન અર્થે રાજ્યભરમાં કરવામાં આવેલી ગ્રીન કવચના જતનની જાળવણીની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કોવિડના સમયમાં ઓક્સિજન અને પર્યાવરણની જાળવણીની જરૂરિયાતનો દુનિયાના નાગરીકોને ખ્યાલ આવી ગયો હતો. ગુજરાત રાજ્યમાં ૩૦૦ હેકટર જમીનમાં ૨૦૭ વન કવચ ઉપરાંત ૭૫ વડ વૃક્ષોનું એક એવા ૮૨ વડ વન તૈયાર કરાયા છે. જેનાથી ૧૧૪૩ ચો.કિ.મી. વન આવરણ તૈયાર થયું છે.
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજયભરમાં અમલી બનાવાયેલા સેવા પખવાડિયાનો “સ્વસ્થ નારી સશક્ત પરિવારં” અભિયાનથી શુભારંભ થયો છે, જે નિમિત્તે રાજ્યભરની દરેક સરકારી હોસ્પિટલોમાં મહિલાઓના શારીરિક પરીક્ષણો વિનામૂલ્યે કરવામાં આવશે, જેનો રાજ્યની દરેક મહિલાઓને લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવા, સ્વદેશી અભિયાનને વેગ આપવા, “વોકલ પર લોકલ” અપનાવવા અને આત્મનિર્ભરતા વધારવા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને હાકલ કરી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશભરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબીના પાંજરાપોળ ખાતે ૪૦ હેક્ટર જમીનમાં નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. મોરબી ઔદ્યોગિક નગરી સાથે વૃક્ષ નગરી બને અને પર્યાવરણની જાળવણી થઈ શકે તેવી નેમ સાથે વન વિભાગ, પાંજરાપોળ અને સદભાવના ટ્રસ્ટના લોકભાગીદારી અને સહિયારા સહયોગથી વધુને વધુ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વૃક્ષો વાવવા અને માવજત કરવી ખૂબ જ અગત્યની છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વન કવચના નિર્માણમાં ફેન્સિંગ, પિયત માટે ડ્રિપ ઇરિગેશન, વન કુટીર સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના સતત સહકારથી ટૂંકા ગાળામાં ભારતનું સૌપ્રથમ અને આ પ્રકારનું એક માત્ર એવું ૧૦ લાખ વૃક્ષો ધરાવતું “વન કવચ” ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે “નમો વન” સ્વરૂપે તેમના જન્મદિનની સેવામય ઉજવણી અન્વયે બનાવાયું છે, તેનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના જન્મદિન દિવસે જ કરાયું છે. અલગ-અલગ ૧૫૦ થી વધુ વૃક્ષોની જાતિ ધરાવતું આ “નમો વન” વૈશ્વિક સ્તરે ઈકો ટુરીઝમનું એક અનોખું કેન્દ્ર બનશે અને મોરબી પાંજરાપોળની હજારો ગૌમાતાના દિવ્ય સાનિધ્યથી સિંચીત આ પુણ્યભૂમિ એક નવો ઈતિહાસ સર્જશે. આ પાંજરાપોળ ટ્રસ્ટ ૨૭૦ વર્ષ જૂની સંસ્થા છે.
ધારાસભ્ય અને મોરબી પાંજરાપોળના ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ સમગ્ર “નમો વન”ની પૂર્વભૂમિકા અને ભાવિ આયોજનો સ્પષ્ટ કર્યા હતા તેમજ આભારવિધિ કરી હતી.
સ્વાગત પ્રવચન સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખશ્રી વિજયભાઈ ડોબરિયાએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માન કરાયુ હતું. આ પ્રસંગે પાંજરાપોળ વિભાગ, વન વિભાગ સદભાવના ટ્રસ્ટ તથા સંગઠન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું વિશેષ બહુમાન કરાયું હતું.
મુખ્ય મંચના કાર્યક્રમનું સંચાલન સદભાવના વૃદ્ધાશ્રમનાશ્રી મિતલભાઇ ખેતાણીએ કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, સાસંદો સર્વશ્રી ચંદુભાઈ શિહોરા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વશ્રી દુર્લભજીભાઇ દેથરિયા, શ્રી પ્રકાશભાઇ વરમોરા, શ્રી મેઘજીભાઈ ચાવડા, પાંજરાપોળના શ્રી વેલજીભાઈ પટેલ, શ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી જેન્તીભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, અને જેન્તીભાઈ પટેલ, કલેક્ટરશ્રી કે.બી.ઝવેરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ) શ્રી યુવરાજસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, દાતાઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.