વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૮ સપ્ટેમ્બર : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભુજ એરપોર્ટ ખાતે યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન યાત્રીઓને વિવિધ સુવિધાઓની જાણકારી, તેમના પ્રતિભાવ અને ફ્લાઈટથી ભુજ આવેલા મુસાફરોનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક કચ્છી લોકનૃત્ય દ્વારા મુસાફરોને આવકારવામાં આવ્યા હતા. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી ભુજના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
મુસાફરો, ટેક્સીચાલકો અને કર્મચારીશ્રીઓ માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન પણ કરાયું હતું. કચ્છના ગ્રામીણ વિદ્યાર્થીઓ વિમાની સેવા વિશે જાણકારી પ્રાપ્ત કરે એ હેતુથી કચ્છની શ્રી સણોસરા સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભુજ એરપોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી અને એરપોર્ટ સંચાલન વિશે માહિતી આપવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ મુસાફરોની સેવા અને સામાજિક જવાબદારી નિભાવવા પ્રતિબદ્ધ છે તે ઉદ્દેશ્ય સાથે યાત્રી સેવા દિવસની ઉજવણી કરાઈ હતી તેમ ભુજ એરપોર્ટના ડીરેક્ટરશ્રી નવીન કુમાર સાગર દ્વારા જણાવાયું છે.