વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૯ સપ્ટેમ્બર :- આર.બી.એસ.કે. યોજના હેઠળ કુમળા બાળકોની સંભાળ લેતી સરકાર.દરેક પરિવાર બાળકોના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જ્યારે બાળક તંદુરસ્ત હોય ત્યારે અનેક ગણી ખુશીઓ પરિવારમાં છવાઈ જાય પરંતુ જો બાળક કોઇ બીમારી કે કોઈ જન્મજાત ખામીનો ભોગ બને તો પરિવાર ચિંતિત બની જતો હોય છે. ત્યારે આવા બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કેમ થાય, તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. રાજ્યનું દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘેર-ઘેર જઈને દરેક બાળકની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે.
કચ્છના મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં ઓગષ્ટ માસમાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. વિવિધ બાળકોની જન્મજાત ખામીને દૂર કરવા યોગ્ય સારવાર સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જલ્પાબેન ઉમા ઉંમર ૧૭ વર્ષ, મિત મૂળજીભાઈ પટેલ ઉંમર ૧૬ વર્ષ તથા સુધાન્શુ રમેશકુમારને જન્મ જાત હૃદયની ખામીની યોગ્ય સારવાર આપવામાં આવી હતી.
આર.બી.એસ.કે. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, CDHO શ્રી ડૉ. મિતેષ ભંડેરી તથા મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. આર.બી.એસ.કે. ટીમ મુન્દ્રા તેમજ ડૉ. સંજય યોગી, અવની બેન્કર, એફ.એચ.ડબ્લ્યુ મનીષાબેનની ટીમ દ્વારા એક સાથે ૩ બાળકો અને તેના પરિવારને મુ્ન્દ્રાથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતાં. ટીમ દ્વારા ખડેપગે રહી બધા બાળકોની તાત્કાલિક ધોરણે સારવાર કરાવવામાં આવી હતી. આર.બી.એસ.કે યોજના અંતર્ગત યુ.એન.મહેતા હોસ્પિટલ- અમદાવાદમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા બાળકોની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવતા બાળકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
આ સંદર્ભે બાળકોના પરિવારે જણાવ્યું હતું કે, આર.બી.એસ.કે ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું તથા વધુ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં બાળકને હ્રદયની ખામી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા, રીપોર્ટસ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા હતા. જેના કારણે અમને એક રૂપિયાનો ખર્ચ ખિસ્સામાંથી કરવો પડ્યો નથી. સફળ હ્રદયના ઓપરેશન બાદ હાલ આ બાળકો સ્વસ્થ છે, ટીમ દ્વારા ફોલોઅપ લઈને સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવે છે અને જરૂરી દવાઓ તથા સારવાર પણ પૂરી પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુને વધુ બાળકોને લાભ મળે અને બાળકો તંદુરસ્ત રહે તે માટે સમયાંતરે મિટિંગ યોજીને કાર્યક્રમનું આયોજન અને મૂલ્યાંકન કરવામાં આવે છે. સરકાર દ્વારા આ કાર્યક્રમ થકી કોઇ પણ ગંભીર બીમારીમાં બાળકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.