‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત દેશલપર(ગુંતલી) ખાતે આયોજિત મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
મહિલા, બાળકો તથા તરૂણીઓની આરોગ્યની તપાસણી કરાઇ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૯ સપ્ટેમ્બર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કચ્છમાં દેશલપર (ગુંતલી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો.
“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવાનો સરકારનો ઉદેશ્ય છે. મેડીકલ કેમ્પમાં આરોગ્ય ENT, આંખ, દાંત, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનીમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી) ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી સહિતની આોરગ્ય તપાસ કરવામાં આવી હતી. આ સાથે સ્થૂળતા ઓછી કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર-પ્રસાર, બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશન (THR)નું વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વય વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ડૉ. વિદિશા બી. પારગી, ડૉ. વિરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. રામસિંહ રાઠોડ, ડૉ.પ્રિયંકાબેન ગોહિલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સેવા આપી હતી. કેમ્પમાં કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત સ્વચ્છતા, પોષણ વગેરે બાબતે સમજણ આપવામાં આવી હતી.