કચ્છમાં માતાના મઢ પદયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સાથે નાગરિકો સ્વચ્છતા જાળવી પર્યાવરણ જતન માટે બન્યા કટીબદ્ધ
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકમુક્ત પદયાત્રાનો અનેરો સંકલ્પ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૯ સપ્ટેમ્બર : સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં આ વર્ષે માતાના મઢ જતા પદયાત્રીઓ આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સાથે સ્વચ્છતા જાળવી પર્યાવરણ જતન માટે કટિબદ્ધ બન્યા છે.આસો માસના નોરતામાં કચ્છની દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દૂર-દૂરથી ભક્તજનો પગપાળા માતાના મઢ પહોંચે છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ યાત્રામાં જોડાતા હોય છે ત્યારે યાત્રાળુઓ પોતાની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે તે માટે કચ્છમાં મોટી સંખ્યામાં સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આઈશ્રી આશાપુરા પરિવાર એસોસિએશન મુંબઈના નેજા હેઠળ ૨૩ વર્ષથી ભુજમાં પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પના આયોજક શ્રી આરતીબેન નથવાણીએ જણાવ્યું હતું કે, કેમ્પમાં યોગ્ય કચરાના નિકાલ માટે ઠેર ઠેર કચરાપેટીની સુવિધા રાખવામાં આવી છે. કેમ્પ દરમિયાન પદયાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સ્વચ્છતાની પૂરતી કાળજી રાખવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનની સાથે પ્લાસ્ટિકમુક્ત યાત્રાની મુહિમ અંતર્ગત અમારા કેમ્પમાં છેલ્લા ૩ વર્ષથી મોટાભાગે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવામાં આવ્યો છે. ચા અને પાણી પીવા માટે વપરાતા પ્લાસ્ટિકના કપ, ગ્લાસના બદલે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. નાસ્તા માટે પેપર ડીશનો વપરાશ કરવામાં આવે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરી સ્વચ્છતા જાળવીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે.
આરતીબેને નાગરિકો અને કેમ્પ આયોજકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકમુક્ત પદયાત્રા માટે સૌ સંકલ્પિત બને તે જરૂરી છે. પર્યાવરણનું જતન કરવા તથા સ્વચ્છોત્સવમાં સહભાગી બનવા તેમણે સેવા કેમ્પના આયોજકો તથા પદયાત્રીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.