રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘ગામતળ સફાઈ અભિયાન’ નો મુંદરા તાલુકાના બેરાજા ગામથી શુભારંભ
મુંદરા, તા. 19 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત ‘સેવા પખવાડીયા’ અંતર્ગત શ્રી સર્વ સેવા સંધ કચ્છ અને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ‘ગામતળ સફાઈ અભિયાન’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ ચોમાસા બાદ ગામડાઓમાં ફેલાતી ગંદકી અને રોગચાળાને અટકાવીને ગ્રામીણ સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે.
આ અભિયાનની પ્રેરણા અશનવ્રતધારી અને જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાએ આપી છે. તેમના પુત્ર અને બંને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ મુંદરા તાલુકાના બેરાજા ગામથી આ સફાઈ કાર્યનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી જેમાં જીગરભાઈ છેડા, હનુમાન ટેકરી બેરાજાના મહંત રાકેશગીરીજી અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે ગામના આગેવાન મિઠુભા જાડેજાએ સ્વાગત પ્રવચન આપતા તારાચંદભાઈ છેડા અને તેમના પુત્ર જીગરભાઈના સેવાકીય કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પિતા-પુત્રની જોડીએ સેવાની જે જ્યોત પ્રગટાવી છે, તે સમાજ માટે પ્રેરણાદાયક છે.
આ પ્રસંગે જીગર છેડાએ જણાવ્યું કે આ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા’ના સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મુંદરા તાલુકાના તમામ ગામોમાં જીનાલય, મંદિરો, શૈક્ષણિક સંકુલો અને જાહેર જગ્યાઓની સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં નદીઓ, ચેકડેમ અને પાણીના આવ સ્થળોની આસપાસના બાવળોને હટાવીને પાણી સંગ્રહ ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
આ સમગ્ર અભિયાન માટે આર્થિક સહાય સ્વ. તારાચંદભાઈ જગશીભાઈ છેડા પરિવાર (મોટા કાંડાગરા હાલે ભુજ, હસ્તે શ્રીમતી હંસાબેન છેડા) તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જીગરભાઈએ ગ્રામજનોને આત્મનિર્ભર બની પોતાના ગામને ‘નંદનવન’ બનાવવા માટે પ્રયાસો કરવા અને આ સફાઈ અભિયાનને માત્ર એક દિવસ પૂરતું સીમિત ન રાખતા બારે માસ ચાલુ રાખવા માટે અપીલ કરી હતી.
બેરાજા ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાએ શ્રીછેડાનો આભાર માનતા જણાવ્યું કે તેમના સહકારથી જ આ શુભકાર્ય શક્ય બન્યું છે. તેમણે ગામના વિકાસ કાર્યો માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી.
કાર્યક્રમમાં મુંબઈથી ખાસ પધારેલા જૈન સમાજના અગ્રણી એડવોકેટ અનિલભાઈ ગાલા, ભાજપના અગ્રણી રવાભાઈ આહિર અને ગામના આગેવાન ગનીભાઈ જુણેજાએ પણ આ સેવાકીય કાર્યની સરાહના કરી હતી.
આ પ્રસંગે જીગરભાઈનું પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા, ઉપ સરપંચ સુરેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્ય દેવશીભાઈ પાતારિયા સહિત વિવિધ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાધોધાના સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા, કણજરાના સરપંચ શંભુભાઈ આહિર, રામાણીયાના સરપંચ બળવંતસિંહ ગોહિલ, મોટી ખાખરના સરપંચ રતનભાઈ ગઢવી, કારાધોધાના સરપંચ મુકેશભાઈ શેઠીયા, ફાચરિયાના સરપંચ સાજણભાઈ રબારી, વાંકીના સરપંચ ભરતસિંહ જાડેજા, ભુજપુરના માજી સરપંચ મેઘરાજભાઈ ગઢવી, મુંદરા એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, સફાઈ અભિયાનના ઇન્ચાર્જ ભાવેન્દ્રસિંહ જાડેજા, સામાજિક આગેવાન યુવરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, રણમલભાઈ રબારી, મહિપતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, હમીરભાઈ રબારી, મિઠુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, લાલજીભાઈ બગડા, ફકુભાઈ આયડી, ગનીભાઈ રહેમતુલા, ઈબ્રાહિમભાઈ મહાજનના આગેવાન મણીલાલભાઈ સાવલા, કલ્યાણજીભાઈ, રામાણીયા ગામના આગેવાન અને ભાજપના સક્રિય કાર્યકર સુરેન્દ્રસિંહ જાડેજા, રામાણીયા સીટ ભાજપના પ્રમુખ રાસુભા કલુભા જાડેજા તથા ગ્રામજનો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતભાઈ શેઠીયાએ કર્યું હતું અને આભારવિધિ કાંતિભાઈએ કરી હતી.
એવું સંસ્થાના કાર્યાલય મંત્રી અંકિતભાઈ ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)