વાગરા: કેબલ ચોરીના કેસમાં બે વર્ષથી ફરાર આરોપી LCB ના હાથે ઝડપાયો, વધુ તપાસ માટે વાગરા પોલીસને સોંપાયો.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ LCB એ વાગરાના પખાજણ ગામ પાસે આવેલી યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં બે વર્ષ પહેલાં થયેલી કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ LCBએ આ કાર્યવાહી કરી હતી. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, કેબલ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી તારીક ઉર્ફે તોસિક ઉર્ફે ટીનો હાલ જંબુસર બાયપાસ બ્રિજ નીચે હાજર છે. આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક દરોડા પાડીને આરોપીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે તેને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઝડપાયેલા આરોપીનું નામ તારીક ઉર્ફે તોસિક ઉર્ફે ટીનો સુપેદા ઉર્ફે નસરૂદીન પઠાણ (મેવાતી) છે, જે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાનો વતની છે.