વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ સપ્ટેમ્બર : “ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન-અપ ડે (સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર)” અંતર્ગત કોસ્ટલ ક્લિન સિઝ કેમ્પેઈનનું આજરોજ માંડવી બીચ ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે દરીયાઇ તટીય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, તટને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ કિનારાના મહત્વ વિશે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો અને પર્યાવરણના સંરક્ષણ માટે જવાબદેહ બનાવવાનો હતો.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી ભુજ, નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR), ચેન્નાઈ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૪૦ કિલોગ્રામ કચરો એકઠો કરવામાં આવ્યો. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ઉપસંચાલક ડૉ. કે. કાર્તિકેયનના અધ્યક્ષપદે આયોજીત આ કાર્યક્રમમાં માતૃહરી આરએચપી હાયર સેકન્ડરી સ્કૂલ (મસ્કા), વિદ્યા ભારતી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર (માંડવી), વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, દૂન ઈન્ટરનૅશનલ પબ્લિક સ્કૂલ, શિશુકુંજ ઈન્ટરનૅશનલ સ્કૂલ, ભુજના વિદ્યાર્થીઓ તથા માંડવી નગરપાલિકાના અધિકારીઓ તેમજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકો અને સંશોધકો સહિત ૧૨૦ પ્રતિનિધિઓ જોડાયા હતા. ગાઇડના નિયામકશ્રી ડૉ. વી. વિજયકુમારના માર્ગદર્શન હેઠળ આ કેમ્પેઈનનું સંચાલન ગાઇડના વૈજ્ઞાનિક ડૉ. દુર્ગા પ્રસાદ બેહરા દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની સફળતા માટે વનવિભાગ, પર્યટન વિભાગ, સિક્યોર નેચર અને સીમા જાગરણ મંચના અધિકારીઓએ તથા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.