ભરૂચની દુધધારા ડેરીની પ્રતિષ્ઠા, વર્ચસ્વ, અસ્તિત્વની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પતંગ પેનલનો પરચમ લહેરાયો
સમીર પટેલ, ભરૂચ
ભાજપ vs ભાજપ ની ગુજરાતના સહકારી ક્ષેત્રે સૌથી કેન્દ્ર સ્થાને રહેલ ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલનો વાઈટ વોશ
15 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 10 ઘનશ્યામ પટેલ, 3 મહેશ વસાવા અને અરૂણસિંહની પેનલમાં એક મહિલા જીતી, એક ઉમેદવાર બિનહરીફ
પૈસા, પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં પુરુષાર્થનો વિજય, આગામી ડેરીના વિકાસનો રોડ મેપ તૈયાર : ઘનશ્યામ પટેલ
અમે અમારી લડત ચાલુ જ રાખીશું, આ હાર નથી : અરૂણસિંહ રણા
હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તમામ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં બે પેનલ જ ઉતરશે, આ મતદારોનો વિજય : મહેશ વસાવા
એક કે બે મતથી વિજય એ વિજય ના કહેવાય કે ના અમારી હાર : જીગ્નેશ પટેલ
ભાજપે આપેલા 15 મેન્ડેતમાંથી 11 ઉમેદવારોની જીત, 4 ની હાર
ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલનો રકાશ થયો હતો.
ભરૂચ ને દૂધધારા ડેરીની રસાકસીભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ નો પરિવાર દબદબો જોવા મળ્યો છે દૂધધારા ડેરીની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બસો 96 મતદારોએ મત અધિકારનો ઉપયોગ કરતા સો ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજરોજ સવારથી આયોજન ભવન ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા હતા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય જે થઈ હતી તો તેમની પેનલના 10 ઉમેદવારોનો પણ વિજય થયો હતો આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હાર થઈ હતી તો બીજી તરફ તેમની પેનલના ત્રણ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો.
ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ફાળે માત્ર 2 બેઠક આવી હતી. જેમાં એક બિનહરીફ રહી હતી. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બંને દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે જંગ હતો ચૂંટણીને જાહેરાતથી ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ 17 વર્ષની ડેરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલે તેમનો વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું હતું. પરિણામો અંગે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાકધમકી અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે તેમની ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે.
આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જીગ્નેશ પટેલની પણ હાર થઈ હતી. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટાભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર બે થી ત્રણ મતનું જ છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે.અરુણસિંહ રણાએ હારનો સ્વીકાર કર્યો હતો.
દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વીસ્ટ પણ જોવા મળ્યો હતો. વાગરા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો.તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા. ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતનું જશ્ન મનાવાયુ હતું.
દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી જેમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે ત્યારે પુનઃ એક વાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે.