GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા શિક્ષણ હિતમાં BLO-SO ની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગો દ્વારા રજૂઆતને આવકારાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૫ સપ્ટેમ્બર : છેલ્લા બે દાયકાથી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને આચાર્યોને શાળાના બાળકોના શિક્ષણના ભોગે બિનશૈક્ષણિક કામગીરી તરીકે બી.એલ.ઓ (BLO) અને એસ.ઓ (SO)ની ફરજો બજાવતા આવ્યા છે. શિક્ષકોના મતે આ ફરજો શિક્ષણના ગુણવત્તા પર સીધી અસર કરે છે, છતાંય હજુ સુધી શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી નથી.

રાજ્યના ચૂંટણી પંચે સ્પષ્ટ આદેશ કર્યો છે કે બી.એલ.ઓ અને એસ.ઓની કામગીરી શિક્ષણ સિવાયના ૧૨ જેટલા વિભાગોના કર્મચારીઓને સોંપી શકાય છે. તેમ છતાં આ આદેશ માત્ર સરકારી ફાઇલોમાં જ કેદ રહી ગયો હોય તેમ તેનો અમલ નથી થતો. બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગે પણ શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં તે આદેશ પણ કાગળ પૂરતો જ સાબિત થઈ રહ્યો છે.

તમામ શિક્ષકોનો આક્ષેપ છે કે બે દાયકાથી સતત BLO અને SOની કામગીરી કરાવ્યા પછી પણ હવે સુધી છુટકારો ન મળતા શિક્ષકોમાં આક્રોશ છે અને “આર અથવા પારની લડાઈ” લડવાની તૈયારી છે. હાલ શિક્ષણ ક્ષેત્રે લગભગ 70 ટકા મહિલા શિક્ષિકાઓ કાર્યરત છે, જેઓ BLO તરીકે ફરજ બજાવતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે—જેમ કે અરજદારો તરફથી સહકાર ન મળવો, તોછડું વર્તન સહન કરવું અને ઘરના કામ સાથે સંતુલન સાધવામાં અડચણો આવવી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાતે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે BLO અને SOની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે. SOની કામગીરી વર્ગ-2ના અધિકારીઓને સોંપવી જોઈએ તેવી પણ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે.

આ રજૂઆતને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાતના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગોએ આવકાર આપ્યો છે અને ન્યાયની આશા વ્યક્ત કરી છે.

Back to top button
error: Content is protected !!