Rajkot: રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો: અંદાજે ૭૦૦ ઉમેદવારોએ મેળામાં ભાગ લેવા નોંધણી કરાવી
તા.૨૬/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સાંસદશ્રી રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. રાજકોટની રોજગાર કચેરી દ્વારા ચૌધરી હાઈસ્કુલ સ્થિત એમ.જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું, દીકરીઓ સક્ષમ, સમર્થ અને આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “હર હાથ કો કામ”ના સુત્રને સાર્થક કરવાના ઉદેશ્યથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પના સ્વપ્નને પૂર્ણ કરવા દરેક નાગરિકોને રોજગારીની યોગ્ય તક મળે અને કારકિર્દી સંબધિત માર્ગદર્શન મળે તે માટે સમયાંતરે આ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં છેલ્લા અઢી વર્ષમાં ૧૭૭થી વધુ રોજગાર મેળાઓમાં ૮૦ હજારથી વધુ ઉમેદવારોને સારા પગાર ધોરણથી નોકરી મળી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રોજગાર વિભાગનું અનુબંધન પોર્ટલ રોજગાર મેળવવા ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ભરતી મેળામાં એક્સપોર્ટ સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટ મેનેજર, એચ. આર. મેનેજર, વિડીયો એડિટર, ઈમિટેશન, રિપોર્ટર, કેમેરા જર્નાલીસ્ટ સહિતની ૪૦૦ જગ્યાઓ માટે વિવિધ ૧૬ ખાનગી કંપનીઓ હાજર રહી હતી. જેમાં આશરે ૭૦૦ ઉમેદવારોએ નોંધણી કરાવી અને ઇન્ટરવ્યુ સહિતની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ શ્રી અર્જુનસિંહ રાણા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમની આભારવિધિ રોજગાર કચેરીના શ્રી ચેતનાબેન મારડિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જ્યોતીન્દ્રભાઈ જાનીએ કર્યું હતું.
આ તકે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીઓ શ્રી માધવભાઈ દવે અને શ્રી મનીષભાઈ રાડિયા, કોલેજ સ્ટાફગણ શ્રી અમિતભાઈ જોશી સહિત પ્રોફેસરશ્રીઓ અને બહોળી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.